ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ અક્ષય કુમાર ચૂંટણી લડશે? જુઓ એમનો જવાબ
અભિનેતા અક્ષય કુમારને ભારતની નાગરિકતા મળી ગઈ છે. સ્વતંત્રતા દિવસના અવસર પર અક્ષયે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેણે લખ્યું, દિલ અને નાગરિકતા બંને હિન્દુસ્તાની છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ. અક્ષયને ભારતની નાગરિકતા મળ્યા બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે તે રાજકારણમાં આવશે અને 2024માં લોકસભાની ચૂંટણી લડશે?
જ્યારે અક્ષયને પીએમ મોદીની નજીક હોવા અને રાજકારણમાં આવવા વિશે પૂછવામાં આવ્યું તો અક્ષયે જવાબમાં કહ્યું કે, મને રાજકારણમાં આવવામાં કોઈ રસ નથી. હું હજુ વધુ ફિલ્મો કરવા માંગુ છું એ સિવાય એક નાગરિક દેશ માટે જે કરી શકે તે હું કરું છું. હું અને એવી કોઈ જગ્યા જોઉં છું જ્યાં હું કંઈક કરી શકું. હું જાતે ત્યાં જઈ શકતો નથી, હું પૈસા મોકલીને જે કરી શકું તે કરું છું. પરંતુ હું રાજકારણમાં જવા માંગતો નથી અને હું ફિલ્મો બનાવીને ખુશ છું.
અક્ષય પાસે કેનેડાની નાગરિકતા હતી
અક્ષય પાસે કેનેડાની નાગરિકતા હતી. આ માટે તેમને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. અક્ષય સોશિયલ મીડિયા પર પણ ઘણી વખત ટ્રોલ થયો છે. અક્ષયે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે લોકો મારી નાગરિકતા પર સવાલ ઉઠાવે છે ત્યારે મને ખરાબ લાગે છે અને જ્યારે લોકો મને કેનેડિયન કુમાર કહે છે ત્યારે મને સૌથી વધુ ખરાબ લાગે છે તેમજ અક્ષયે કહ્યું હતું કે, મારા માટે ભારત જ સર્વસ્વ છે. મેં જે કંઈ કમાવ્યું છે તે અહીં રહીને કમાવ્યું છે. અને હું મારી જાતને નસીબદાર માનું છું કે મને પાછા આપવાનો મોકો મળ્યો. તેણે કહ્યું કે તેણે ભારતની નાગરિકતા માટે અરજી કરી છે.
કેનેડાની નાગરિકતા કેવી રીતે મળી?
અક્ષયે કહ્યું હતું કે 1990-2000 ના દાયકામાં જ્યારે તેની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી, ત્યારે તેણે કેનેડામાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે ત્યાંની નાગરિકતા માટે અરજી કરી. તેને ત્યાંની નાગરિકતા પણ મળી. પરંતુ પાછળથી તેની ફિલ્મો રિલીઝ થઈ અને તે ભારત પાછો આવ્યો. અક્ષયે કહ્યું હતું કે, ફિલ્મો હિટ થયા પછી તેને કામ મળતું રહ્યું અને તે ભારતમાં જ રહ્યો.
ભાજપની નજીક હોવાના આક્ષેપો
અક્ષય કુમાર પર પીએમ મોદી અને બીજેપીની નજીક હોવાના આરોપો લાગી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેમણે પીએમ મોદીનો બિનરાજકીય ઈન્ટરવ્યુ લીધો હતો. આટલું જ નહીં, અક્ષય કુમાર અનેક અવસરે પીએમ મોદીના વખાણ પણ કરતા રહ્યા છે.
અક્ષયના સસરા કોંગ્રેસના સાંસદ હતા
અક્ષય કુમારના સસરા રાજેશ ખન્ના કોંગ્રેસી હતા. રાજેશ ખન્ના 1991માં નવી દિલ્હીથી બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી સામે ચૂંટણી લડ્યા હતા. જોકે, આ ચૂંટણીમાં અડવાણીએ રાજેશ ખન્નાને નજીવા માર્જિન (1,589 મતો)થી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં અડવાણી ગાંધીનગરથી પણ જીત્યા હતા. આવી સ્થિતિમાં તેમણે નવી દિલ્હી બેઠક છોડી દીધી. આ બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપે રાજેશ ખન્ના સામે શત્રુઘ્ન સિન્હાને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, રાજેશ ખન્નાએ શત્રુઘ્ન સિંહાને હરાવ્યા હતા.