news

અથડામણના LIVE દ્રશ્યો:છોટાઉદેપુરમાં કિશન ભરવાડની શ્રદ્ધાંજલિ સભામાં વિધર્મીઓનું ટોળુ ધસી આવતા જૂથ અથડામણ, વીડિયો વાઇરલ કરનાર સહિત 6ની અટકાયત

  • જૂથ અથડામણ બાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી
  • છોટાઉદેપુરમાં કિશન ભરવાડ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, વિશાળ મૌન રેલી નીકળી

ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પડી રહ્યા છે. છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળુ ધસી આવતા જૂથ અથડામણ થઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇને અથડામણનો વીડિયો વાઇરલ કરનાર શખ્સ સહિત 6 લોકોની અટકાયત કરી છે. જૂથ અથડામણ થતાં છોટાઉદેપુર પંથકમાં તંગદિલી ફેલાઇ ગઇ છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના કરજણમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડની હત્યાના વિરોધમાં આજે કરજણ બંધનું એલાન આપતા બજાર જડબેસલાક બંધ રહ્યું હતું. તે સાથે વડોદરાના પાદરામાં પણ હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવકે શ્રદ્ધાંજલિની પોસ્ટ શેર કરતા જૂથ અથડામણ થઇ
કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. કિશન ભરવાડને ન્યાય આપવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુરમાં ગઇકાલે સાંજે હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિન્દુ યુવકે સોશિયલ મીડિયા ઉપર કિશન ભરવાડની પોસ્ટ શેર કરતા જૂથ અથડામણ થઇ હતી. જેને લઇને બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરી છે.

છોટાઉદેપુરના કિશનને ન્યાય આપવાની માંગ સાથે મૌન રેલી
દરમિયાન છોટાઉદેપુરના હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને ન્યાય આપવાની માંગ સાથે મૌન રેલી કાઢવાની જાહેરાત કરતા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનો દ્વારા છોટાઉદેપુર મહાકાળી મંદિરથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. છોટાઉદેપુરમાં મોડી રાતથી નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કરજણમાં જડબેસલાક બંધ
આ ઉપરાંત વડોદરા જિલ્લાના કરજણ નગરના હિન્દુ સંગઠનો દ્વારા ધંધુકાના કિશન ભરવાડની હત્યાના વિરોધમાં સોમવારે કરજણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કરજણના હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં કરજણ બંધના એલાનને પગલે કરજણના તમામ બજારો જડબેસલાખ બંધ રહ્યા હતા. પથારાઓથી લઇ નાની-મોટી દુકાનો અને શોરૂમો સ્વયંભૂ બંધ રહ્યા હતા. તે સાથે હિંદુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને ન્યાય આપવાની માંગણી સાથે નગરમાં રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી નગરમાં ફરીને મામલતદારને આવેદન પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધના એલાન દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પાલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પાદરામાં પણ હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન
વડોદરાના પાદરા નગરમાં પણ ધંધુકાના કિશન ભરવાડને ન્યાય આપવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરના નગરના હિન્દુ સંગઠનના કાર્યકરો સવારથી નગરમાં ભેગા થયા હતા. રેલી દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.