આજના લવ મેરેજના ટ્રેન્ડ વચ્ચે માતાપિતાની સહમતી વગર લગ્ન કરવા યોગ્ય કે અયોગ્ય…?
અત્યારે લવ મેરેજનો ટ્રેન્ડ વધી રહ્યો છે. માતા-પિતાની સંમતિ વગર કોર્ટ મેરેજ થઈ રહ્યા હોય ત્યારે માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે અને લગ્ન એ એક બહુઆયામી ઘટના છે. લગ્ન પહેલા બંને પક્ષે બંને પક્ષના સામાજિક, ભૌતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક એમ કેટકેટલા પાસાનો બરાબર વિચાર કરવો જોઇએ, મોટેભાગે મા બાપ જો સમજદાર હોય તો વિરોધ એટલા માટે જ કરતા હોય છે કે ઉપરોક્ત પાસાઓમાં બંને પક્ષે એડજેસ્ટ ન કરી શકાય તેટલી પ્રતિકૂળતાઓ રહેલી હોય છે, અને વિરોધ યુવતીના માતા પિતાનો જ વધારે એટલા માટે હોય છે કે યુવતીએ જ યુવકના ઘરે રહીને વધારે એડજેસ્ટમેન્ટ કરવાનું આવતું હોય છે જે લગ્ન પહેલા યુવતીને સમજમાં આવી શકતું નથી!
આજે યુવક યુવતીઓ કોલેજમાં અને હવે તો સ્કૂલમાં ભણતા હોય ત્યારે એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનાં વચનો આપી દે છે. આજની નવી પેઢી પ્રેમમાં પડવા માટે કુળ, જાતિ, સંસ્કાર, ધર્મ વગેરે કાંઇ નથી જોતી તેઓ જેને પ્રેમ માને છે તે પણ હકીકતમાં મોહ અથવા શારીરિક આકર્ષણ હોય છે. માતા પિતાની મરજીથી ઉપરવટ જઇને તેઓ પરણે છે લગ્નના પહેલા જ દિવસથી તેમનો મોહ ઓસરી જાય છે બીજા છ મહિનામાં શારીરિક આકર્ષણ પણ ઘટવા લાગે છે ત્યાર પછી જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવામાં આવે ત્યારે ધર્મ, સંસ્કાર, સ્વભાવ, ખાનદાની અને સામાજીક દરજ્જાની વાસ્તવિકતાઓ સમજાય છે જેને કારણે વિસંવાદ પેદા થાય છે. આ વિસંવાદનો કોઇ ઉકેલ ન મળતાં છેવટે આવાં લગ્નો છૂટાછેડામાં પરિણમે છે.અને હરેક વખતે મા બાપ જ સાચા ને યુવક યુવતી જ ખોટા એવું હોતું નથી, પણ સામાજિક સંસ્કારોને કારણે લોકો દોષનો ટોપલો ‘લવ મેરેજ’ પર ઢોળી દેવા ટેવાયેલા હોય છે! તેમજ પ્રેમ લગ્નમાં અપેક્ષાનું પ્રમાણ અરેન્જ મેરેજ કરતા ઘણું વધારે જોવા મળે છે, માટે ડિવાર્સ ફાઇલ વધારે થાય થે! આમ સમાજને મહેણા મારવાનો મોકો મળી રહે છે! માબાપને સહાનુભૂતિ માટે વધુ એક કારણ જડી રહે છે!
કોઈ પણ પુખ્ત વયના યુવક કે યુવતી કે જેની વય ભારતના કાયદા દ્વારા લગ્નની પ્રમાણિત કરવામાં આવી છે. આવો કોઈ પણ યુવક કે યુવતી પોતાની ઈચ્છા કે પસંદગીના પાત્ર સાથે લગ્નગ્રંથિથી જોડાઈને સામાજિક જીવન જીવવાનો અધિકાર મેળવે છે. પરંતુ હવે ખૂબ જ સંવેદનશીલ વિષય અને મુદ્દા પર ચર્ચાનો દોર આગળ વધ્યો છે. પ્રેમ લગ્નને કાયદાકીય રીતે મંજૂરી મળી છે તેમાં હવે માતા પિતાની સહમતી કે પૂર્વ મંજૂરી હોવી જોઈએ તેવો એક વિચાર સતત ચર્ચાઈ રહ્યો છે. લગ્નને પ્રેમ લગ્ન નહીં પરંતુ બે કુટુંબ અને સમાજ વચ્ચે પારસ્પરિક સંબંધોથી સામાજિક રીત રીવાજ મુજબ થયેલા લગ્નની વ્યાખ્યામાં જોડાઈ જશે જેને કારણે પ્રેમ લગ્ન જેવી વ્યાખ્યાના અસ્તિત્વ પર અનેક સવાલો પણ ઊભા થશે.