PM Kisan Scheme: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) ના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાને લઈને ઘણી માહિતી આપી છે. સોમવારે આ માહિતી આપતાં કેન્દ્ર સરકારે કહ્યું કે 2019 ની શરૂઆતમાં પ્રથમ હપ્તાના સમયગાળા દરમિયાન લાભાર્થીઓની સંખ્યા 3.16 કરોડ હતી અને આ સમયે PM કિસાનના લાભાર્થીઓની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે.
કેન્દ્ર સરકારે વળતો જવાબ આપ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આ યોજનાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યાના થોડા કલાકો બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ માહિતી ખરેખર જારી કરવામાં આવી છે. ખડગેએ આરોપ લગાવ્યો કે દરેક હપ્તા સાથે લાભાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
વાર્ષિક મળે છે 6000 રૂપિયા
આ યોજના હેઠળ ખેડૂત પરિવારોના બેંક એકાઉન્ટમાં વાર્ષિક 6,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. તેની જાહેરાત ફેબ્રુઆરી 2019માં કરવામાં આવી હતી, પરંતુ તેનો અમલ ડિસેમ્બર 2018થી કરવામાં આવ્યો હતો.
10 કરોડ પાર થઈ લાભાર્થીઓની સંખ્યા
કૃષિ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે કોઈપણ હપ્તાના સમયગાળા માટે પીએમ કિસાન હેઠળ જારી કરાયેલા લાભાર્થીઓની સંખ્યા હવે 10 કરોડ ખેડૂતોને પાર કરી ગઈ છે. શરૂઆતમાં આ સંખ્યા 3.16 કરોડ હતી.
મંત્રાલયે જારી કર્યું નિવેદન
મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનાએ ત્રણ વર્ષથી વધુ સમય દરમિયાન કરોડો જરૂરિયાતમંદ ખેડૂતોને બે લાખ કરોડ રૂપિયાથી વધુની નાણાકીય સહાય સફળતાપૂર્વક પૂરી પાડી છે. આ રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 12 હપ્તા બહાર પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોના એકાઉન્ટમાં વર્ષમાં 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. 2 – 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. તેનાથી ખેડૂતોને આર્થિક સહાય મળે છે.