ગુરુવારે રાત્રે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં પૂર્વ ધારાસભ્ય કે લોકેન સિંહના ઘરની બહાર મધ્યમ તીવ્રતાનો IED બ્લાસ્ટ થયો હતો. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટથી સિંહના નિવાસસ્થાનના મુખ્ય દરવાજાને આંશિક નુકસાન થયું હતું, જ્યારે તેની બાજુમાં લાગેલા સ્ટ્રીટ લેમ્પ્સ અને રસ્તાના એક ભાગને પણ નુકસાન થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, ક્વાકીથેલ તાખેલંબમ લેઇકાઈ વિસ્તારમાં વિસ્ફોટ થતાં જ મણિપુર પોલીસ અને બોમ્બ નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
સ્થાનિકોએ દાવો કર્યો હતો કે સિંહ તેમના નિવાસસ્થાનમાં પ્રવેશ્યા પછી તરત જ IED વિસ્ફોટ થયો હતો. લોકેન સિંહે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડ (JDU)ની ટિકિટ પર મણિપુરની સગોલબંદ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવ્યું હતું. જોકે, ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.
લોકેન સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે તેમને કોઈની સાથે દુશ્મની નથી અને આ મામલે તાત્કાલિક તપાસની માંગ કરી છે. હજુ સુધી આ વિસ્ફોટની જવાબદારી કોઈએ લીધી નથી.