તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) વિજયાદશમીના અવસર પર તેમની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ રાખવા જઈ રહ્યા છે. કેસીઆરના આ પગલાથી કાર્યકરોમાં ખુશીની લહેર છે અને મુખ્યમંત્રીના આ નિર્ણયને સૌએ આવકાર્યો છે. કેસીઆરનું પગલું ટીઆરએસના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવા અને ભાજપ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવાના પક્ષના પ્રયાસોનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
પાર્ટીનું નામ બદલ્યા બાદ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો દેશભરમાં પ્રચાર કરવામાં આવશે. એટલું જ નહીં, સમર્થકોએ હૈદરાબાદના રસ્તાઓ પર ‘દેશ કા નેતા કેસીઆર’ ના નારા સાથે પોસ્ટર પણ લગાવ્યા છે. આ પોસ્ટર દ્વારા કેસીઆરને રાષ્ટ્રીય નેતા ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જૂનમાં નવા પક્ષના નામ પર મંથન થયું હતું
આ વર્ષે જૂનમાં, કેસીઆરએ ટીઆરએસ નેતાઓ સાથે રાષ્ટ્રીય પાર્ટી બનાવવાના વિચાર પર ચર્ચા કરી હતી. જો કે, ત્યારે નવા પક્ષના વિચાર પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. તે સમયે ટીઆરએસના સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે નવી પાર્ટી માટે ‘ભારત રાષ્ટ્રીય સમિતિ’ (બીઆરએસ), ‘ઉજ્જવલ ભારત પાર્ટી’ અને ‘નયા ભારત પાર્ટી’ જેવા કેટલાક નામોની ચર્ચા થઈ રહી છે.
કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી હૈદરાબાદ પહોંચ્યા
JD(S) નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી કેસીઆરની રાષ્ટ્રીય પાર્ટીની શરૂઆત પહેલા તેમના ધારાસભ્યો સાથે હૈદરાબાદ પહોંચ્યા. TRS નેતા અને તેલંગાણાના મંત્રી કેટી રામારાવ દ્વારા અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.