dhrm darshan

દેવીના 9 ચમત્કારી મંદિર:એવું મંદિર જ્યાં માતા અગ્નિ સ્નાન કરે છે, બીકાનેરના મંદિરમાં મળે છે ઉંદરોનો ચાખેલો પ્રસાદ; જૈસલમેરમાં માતાએ બોમ્બ ડિફ્યૂઝ કર્યાં હતાં

નવરાત્રિના અવસરે અમે તમને રાજસ્થાનના થોડા એવા માતા રાણીના મંદિરના દર્શન કરાવી રહ્યા છીએ, જેની અલગ ઓળખ છે. તેમાંથી એક ઉદયપુરનું ઈડાણા માતા મંદિર છે. આ મંદિરમાં માતા રાણી સ્વયં જ અગ્નિ સ્નાન કરે છે. માન્યતા છે કે અગ્નિ સ્નાન જોવાથી જાનલેવા બિમારી પણ ઠીક થઈ જાય છે. આ પ્રકારે બીકાનેરનું કરણી માતા મંદિર છે. જ્યાં હજારોની સંખ્યામાં મંદિર પરિસરમાં ઉંદરો ફરતા રહે છે. ત્યાં જ જૈસલમેરનું તનોટ માતા મંદિર પણ પાકિસ્તાની બોમ્બ ડિફ્યૂઝ કરવાના લીધે દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે.

દેશભરમાં તમે દેવી મંદિરમાં અખંડ જ્યોત પ્રગટેલી જોઈ હશે. મેવાડના સૌથી મુખ્ય શક્તિપીઠોમાંથી એક ઈડાણા માતા મંદિરમાં આવો જ એક ચમત્કાર જોવા મળે છે. જ્યાં માતા સાક્ષાત્ દેવી જ સ્વયં અગ્નિ સ્નાન કરે છે. આ મંદિર ઉદયપુર શહેરથી 60 કિમી દૂર કુરાબડ-બમ્બોરા માર્ગ ઉપર અરાવતી પહાડીઓ વચ્ચે આવેલું છે. મેવાડનું મુખ્ય શક્તિપીઠ હકીકતમાં ઈડાણા માતાજીનું મંદિર છે. ઈડાણા માતા રાજપૂત સમુદાય, ભીલ આદિવાસી સમુદાય સહિત સંપૂર્ણ મેવાડની આરાધ્ય માતા છે.

માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ મહાભારત કાળમાં થયું હતું. અનેક ચમત્કારો ધરાવતા આ મંદિરમાં નવરાત્રિ દરમિયાન ભક્તોની ભીડ ખૂબ જ વધી જાય છે. ઈડાણા માતાનું અગ્નિ સ્નાન જોવા માટે દર વર્ષે ભારે સંખ્યામાં ભક્ત અહીં પહોંચે છે. અગ્નિ સ્નાનની એક ઝલક મેળવવા માટે ભક્ત કલાકો સુધી રાહ જુએ છે. માન્યતા છે કે આ સમયે દેવીના આશીર્વાદ ભક્તોને પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં ઈડાણા માતાને સ્થાનિક રાજા પોતાની કુળદેવી તરીકે પૂજતાં હતાં.

બીકાનેરના દેશનોકમાં સ્થિત કરણી માતાનું મંદિર દુનિયાભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં ભક્તોથી વધારે કાળા ઉંદર જોવા મળે છે. જોકે, અહીં ઉંદરને ‘કાબા’ કહેવામાં આવે છે અને આ કાબાઓને દૂધ, લાડવા અને અન્ય ખાનપાનની વસ્તુઓ પીરસવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

રાજસ્થાનના ઐતિહાસિક નગર બીકાનેરથી લગભગ 30 કિમી દૂર દેશનોકમાં સ્થિત કરણી માતાનું મંદિર, જેને ‘ચૂહોંવાલી માતા’ કે ‘ઉંદરોનું મંદિર’ પણ કહેવામાં આવે છે. કરણી માતાનું મંદિર એક એવું મંદિર છે, જ્યાં 20 હજાર ઉંદર રહે છે અને મંદિરમાં આવતા ભક્તોને ઉંદરોએ ચાખેલો પ્રસાદ જ મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આટલાં ઉંદર હોવા છતાંય મંદિરમાં સહેજ પણ દુર્ગંધ આવતી નથી. સાથે જ અહીં ઉંદરોના કારણે કોઈપણ બીમારી ફેલાઈ નથી. ઉંદરોનો એંઠો પ્રસાદ ખાવાથી પણ કોઈ ભક્ત બીમાર થયાં નથી.

ત્રિપુર સુંદરી મંદિર બાંસવાડા જિલ્લાથી 19 કિમી દૂર આવેલું છે. આ મંદિર ત્રિપુર સુંદરી દેવી માટે સમર્પિત છે. જેને માતા તુર્તિયાના નામે પણ ઓળખવામાં આવે છે. અહીં કાળા પત્થર ઉપર ખોદવામાં આવેલી દેવીની એક મૂર્તિ, મંદિરમાં પ્રતિષ્ઠિત છે. લોકકથાઓ પ્રમાણે મંદિર કૃષાણ તાનાશાહના શાસનથી પણ પહેલાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર એક શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે અને જે હિંદુ, દેવી શક્તિ અથવા દેવી પાર્વતીની પૂજા કરે છે. તેમના માટે આ એક પવિત્ર સ્થાન છે. અહીં પાંચ ફૂટ ઊંચી માતા ભગવતી ત્રિપુર સુંદરીની મૂર્તિ અષ્ઠાદશ ભુજાઓ ધરાવે છે. જેને ચમત્કારી માનવામાં આવે છે.

માતા ભગવતી ત્રિપુર સુંદરીનો સાત દિવસ પ્રમાણે વિવિધ શ્રૃંગાર કરવામાં આવે છે. સોમવારે સફેદ રંગ, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે કેસરી, શનિવારે વાદળી અને રવિવારે પંચરંગી શ્રૃંગાર કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે દેવી માતાના સિંહ, મયૂર કમલાસિની હોવાથી અને ત્રણ સ્વરૂપમાં કુમારિકા, બપોરે સુંદરી એટલે યૌવના અને સંધ્યાકાળમાં પ્રૌઢ સ્વરૂપમાં દર્શન આપવાથી તેમને ત્રિપુર સુંદરી કહેવામાં આવે છે.

રાજસ્થાનની રાજધાની જયપુરથી લગભગ 100 કિમી દૂર સાંભર કસ્બામાં સ્થિત માતા શાકંભરી મંદિર લગભગ 2500 વર્ષ જૂનો જણાવવામાં આવે છે. જોકે, શાકંભરી માતા ચૌહાન વંશની કુળદેવી છે પરંતુ માતાને અન્ય ધર્મ અને સમાજના લોકો પૂજે છે. શાકંભરીને દુર્ગાનો અવતાર માનવામાં આવે છે. શાકંભરી માતાને દેશભરમાં ત્રણ શક્તિપીઠ છે અને માનવામાં આવે છે કે તેમાંથી સૌથી પ્રાચીન શક્તિપીઠ આ છે. માતા શાકંભરીની પૌરાણિક ગ્રંથોમાં વર્ણિત કથા પ્રમાણે, એક સમયે જ્યારે પૃથ્વી ઉપર દુર્ગભ નામક દૈત્યએ આતંક મચાવ્યો, ત્યારે પૃથ્વી ઉપર સતત સો વર્ષ સુધી વરસાદ થયો નહોતો. ત્યારે અનાજ-જળના અભાવમાં પ્રજા મૃત્યુ પામતી હતી. બધા જ જીવ ભૂખથી વ્યાકુળ થઈને મરવા લાગ્યાં. તે સમયે બધા મુનિઓએ મળીને દેવી ભગવતીની ઉપાસના કરી.

જેથી દુર્ગાજીએ એક નવા સ્વરૂપમાં અવતાર લીધો અને તેમની કૃપાથી વરસાદ થયો. આ અવતારમાં મહામાયાએ જલવૃષ્ટિથી પૃથ્વીને શાકભાજી અને ફળથી પરિપૂર્ણ કરી દીધા, જેથી પૃથ્વીના બધા જીવને જીવનદાન પ્રાપ્ત થયું. શાક ઉપર આધારિત તપસ્યાના કારણે શાકંભરી નામ પડ્યું. આ તપસ્યા પછી આ સ્થાન લીલુંછમ થઈ ગયું. દંત કથાઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે માતા શાકંભરીના તપથી અહીં અપાર ધન-સંપત્તિ ઉત્પન્ન થઈ. સમૃદ્ધિ સાથે જ અહીં આ પ્રાકૃતિક સંપત્તિને લઈને ઝઘડા શરૂ થઈ ગયાં. જ્યારે સમસ્યાઓએ વિકટ સ્વરૂપ લઈ લીધું ત્યારે માતાએ અહીં કિંમતી સંપત્તિ અને ખજાનાને મીઠામાં બદલી નાખી. આ પ્રકારે સાંભર નદીની ઉત્પત્તિ થઈ. વર્તમાનમાં લગભગ 90 વર્ગમીલમાં અહીં મીઠાની નદી છે.

દેશનો એક-એક સૈનિક તનોટ માતાની કૃપા અને ચમત્કારથી પરિચિત છે. માતાની કૃપા તો વર્ષોથી ભક્તો ઉપર છે. પરંતુ 1965ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં માતાએ પોતાનો ચમત્કાર બતાવ્યો. માતાની ઉપર પાકિસ્તાનીઓએ સૈંકડો બોમ્બ ફેંક્યા પરંતુ માતાના મંદિરને કશું જ થયું નહીં. માતાનું આ મંદિર જૈસલમેરથી લગભગ 130 કિમી દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર સ્થિત છે. માતાના આ ચમત્કારી મંદિરનું નિર્માણ લગભગ 1200 વર્ષ પહેલાં થયું હતું.

1965ના યુદ્ધ પછી માતાનું પ્રસિદ્ધ મંદિર વિદેશોમાં પણ છવાઈ ગયું છે. પાકિસ્તાનીઓ દ્વારા મંદિર પરિસરમાં પડેલાં 450 બોમ્બ ફૂટ્યાં જ નહીં. આ બોમ્બ હવે મંદિર પરિસરમાં બનેલાં એક સંગ્રહાલયમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યાં છે. 1965ના યુદ્ધ પછી આ મંદિરની જવાબદારી સીમા સુરક્ષા બળને આપવામાં આવી છે. તે પછી આજ સુધી દરરોજ ભારતીય સેનાના જવાન જ મંદિરમાં પૂજા-અર્ચના કરે છે.

રાજસ્થાનના સીકર જિલ્લાના ગોરિયા ગામના દક્ષિણમાં પહાડો ઉપર જીણ માતાનું મંદિર છે. જીણ માતાનું નામ જયંતી માતા છે. માન્યતા છે કે તેઓ માતા દુર્ગાના અવતાર છે. ગાઢ જંગલથી ઘેરાયેલું આ મંદિર ત્રણ નાના પહાડોના સંગમમાં સ્થિત છે. આ મંદિરમાં આરસપહાણનું વિશાળ શિવલિંગ અને નંદી પ્રતિમા મુખ્ય આકર્ષણ છે. આ મંદિર અંગે કોઈ જાણકારી મળી આવતી નથી. છતાંય પૌરાણિક માન્યતાઓ પ્રમાણે માતાનું આ મંદિર 1000 વર્ષ જૂનું છે. જ્યારે અનેક ઈતિહાસકાર આઠમી સદીમાં જીણ માતા મંદિરનું નિર્માણ કાળ માને છે.

લોક માન્યતા પ્રમાણે, એકવાર મુઘલ બાદશાહ ઓરંગઝેબે રાજસ્થાનના સીકરમાં સ્થિત જીણ માતા અને ભેરોંના મંદિરને તોડવા માટે સૈનિકોને મોકલ્યાં. જીણ માતાએ પોતાનો ચમત્કાર બતાવ્યો અને ત્યાં મધમાખીના એક ટોળાએ મુઘલ સેના ઉપર હુમલો કરી દીધો. મધમાખીના કરડવાથી આખી સેના મેદાન છોડીને ભાગી ગઈ. માન્યતા છે કે તે સમયે બાદશાહની હાલત ગંભીર થઈ ગઈ. ત્યારે બાદશાહે પોતાની ભૂલ માનીને માતાને અખંડ જ્યોતિ પ્રગટાવવાનું વચન આપ્યું અને કહ્યું કે તેઓ દર મહિને સવા મણ તેલ આ જ્યોત માટે ભેટ કરશે.

Leave a Reply

Your email address will not be published.