news

આનંદો! આ તારીખથી દેશમાં 5G સેવા શરૂ થઇ જશે, PM મોદી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં તેને લૉન્ચ કરશે

હવે તમે ટૂંક જ સમયમાં હાઇ સ્પીડ ડેટાનો આનંદ માણી શકશો. લાંબા સમયથી દેશમાં 5G સેવાની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરતા લોકો માટે આનંદના સમાચાર છે. દેશમાં હવે 1 ઑક્ટોબરથી 5G સેવા શરૂ થઇ જશે. 1 ઓક્ટોબર, 2022ના રોજ વડાપ્રધાન મોદી મોબાઇલ કોંગ્રેસમાં 5જી સેવાઓને લોન્ચ કરશે. સરકારના નેશનલ બ્રોડબેંડ મિશન દ્વારા આજે ટ્વિટર મારફતે આ જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભારતના ડિજીટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઊંચાઇઓ પર લઇ જતા, વડાપ્રધાન મોદી ભારતમાં એશિયામાં સૌથી મોટા ટેક એક્ઝિબિશન મોબાઇલ કોંગ્રેસમાં 5જી સેવાની શરૂઆત કરશે.

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં થશે મેગા લૉન્ચ
ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસને એશિયામાં સૌથી મોટું ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી ફોરમ માનવામાં આવે છે. તેને સંયુક્તપણે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)અને સેલ્યુલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા આયોજીત કરે છે.

જાણકારોનું કહેવું છે કે 5જી ટેક્નોલજીના આગમનથી ભારતને મોટા પાયે ફાયદો થશે. મોબાઇલ નેટવર્ક ઑપરેટર્સનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક ઔદ્યોગિક સંસ્થાના અનુમાન અનુસાર વર્ષ 2023 અને 2040 વચ્ચે તેનાથી ભારતની અર્થવ્યવસ્થાને 36.4 ટ્રિલિયન રૂપિયા અથવા 455 અબજ ડોલરનો ફાયદો થવાની અપેક્ષા છે.

5Gથી યૂઝર્સને શું થશે ફાયદો?
દેશમાં 5G સેવાને કારણે ડેટા મોકલવાની અને મેળવવાની સ્પીડ બમણી થઇ જશે. તેનાથી સમયની બચત થવા ઉપરાંત અનેકવિધ એપ્લિકેશનને વધુ સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાશે. 5જીને કારણે ગ્રાહકોનો ઇન્ટરનેટ અનુભવ પહેલાથી અનેકગણો શ્રેષ્ઠ સાબિત થશે. તદુપરાંત, ટ્રાન્ઝેક્શનથી લઇને ફાઇલને ડાઉનલોડ અથવા અપલોડ કરવામાં પણ ઝડપ થશે. તેનાથી માત્ર કેટલીક મિનિટોમાં જ HD ફિલ્મોને પણ ડાઉનલોડ કરવાની સહુલિયત મળશે. તેનાથી 4G કરતાં પણ 10 ગણી વધુ સ્પીડ યૂઝર્સને મળે છે. તેનાથી મોટા ભાગના કામ સરળ બની જશે.

Leave a Reply

Your email address will not be published.