- રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું
સુરતના હીરાબાગ સર્કલ પાસે ગત રોજ રાત્રે રાજધાની ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં આગ લાગતાં એક મહિલાનું મોત થયું હતું. મૂળ ભાવનગરની મૃતક મહિલા પતિ સાથે લગ્ન બાદ હનિમૂન માટે ગોવા ગઈ હતી. ત્યાંથી પરત ફરી સુરતથી ભાવનગર જવા નીકળ્યાં હતાં. દરમિયાન બસમાં આગની દુર્ઘટના બની હતી, જેમાં પતિ વિશાલ નવલાની સળગતી બસની બારીમાંથી કૂદી ગયો હતો, જ્યારે પત્ની તાનિયા બારીમાં જ ફસાઈ જતાં મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતથી નીકળતાં પહેલાં પતિ-પત્નીએ એક તસવીર લીધી હતી, જે હવે અંતિમ તસવીર બની ગઈ છે.
સુરતથી ગોવા અને રિટર્ન ફ્લાઈટ બુક કરાવેલી હતી
ભાવનગરના રતાલ કેમ્પસમાં રહેતા વિશાલ નવલાનીના લગ્ન થોડા સમય પહેલાં જ તાનિયા નામની યુવતી સાથે થયા હતા. ગોવા ખાતે હનિમૂન મનાવવા જવા માટે તેમણે સુરતથી આવવા-જવાની ફ્લાઇટ બુક કરી હતી. ભાવનગરથી તેઓ સુરતમાં આવ્યાં અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયાં હતાં. ગતરોજ તેઓ ગોવાથી સુરત આવ્યાં અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસી ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા.
તાનિયાનું ભીષણ આગમાં મોત થયું
લક્ઝરી બસ વરાછામાં હીરાબાગ પાસે હતી ત્યારે અચાનક જ ભીષણ આગ લાગી અને બસમાં બેસેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઇ હતી. આ દરમિયાન વિશાલ સળગતી હાલતમાં બસની બારીમાંથી કૂદી ગયો અને તેની પત્ની તાનિયા બસમાં ફસાઈ ગઈ હતી, જેને કારણે આ ભીષણ આગમાં તેનું મોત નીપજ્યું હતું. વિશાલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટના શું હતી?
ગત રોજ મંગળવારે રાતના 9.35 કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું, જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.
ઘટના અગાઉના સીસીટીવી સામે આવ્યા
ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું, જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.બસમાં આગ લાગ્યા પહેલાંના સીસીટીવીસામે આવ્યા છે, જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.
અકસ્માત મોતનો ગુનો નોંધાયો
એસીપી સીકે પટેલે જણાવ્યું હતું કે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ બસમાં આગ કયા કારણસર લાગી એ માટે એસએફએલની મદદ પણ લેવાઈ છે તેમજ ઇલેક્ટ્રિક અને આરટીઓ ઇન્સ્પેકટરની સ્થળ નિરીક્ષણ કરાવી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.