news

પોલીસ-પાલીકા દ્વારા મોટી હેરાનગતિ કોંગ્રેસના આગેવાનોએ ખાણી-પીણીના રેકડી ધારકોની લીધી મુલાકાત

પોરબંદરમાં રેકડી કેબીનવાળા નાના ધંધાર્થીઓને પોલીસ-પાલીકા દ્વારા મોટી હેરાનગતિ કોંગ્રેસના આગેવાનોએ એચ.એમ.પી. કોલોની વિસ્તારના ખાણી-પીણીના રેકડી ધારકોની લીધી મુલાકાતઃ લીમડાચોક અને મામાકોઠા મંદીર વિસ્તારના કેબીન ધારકોની વ્યથા અને વેદના સાંભળી

પોરબંદરમાં રેકડી કેબીનવાળા નાના ધંધાર્થીઓને પોલીસ-પાલીકા દ્વારા મોટી હેરાનગતિ થઇ રહી છે તેવું કોંગ્રેસના આગેવાનોએ લીધેલી મુલાકાતમાં જાણવા મળ્યું હતું.

પોરબંદરમાં રેકડી કેબીન ધારકોની સમસ્યા જાણવા માટે પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો ગયા હતા. જેમાં જડેશ્વર મંદીર સામે એચ.એમ.પી. કોલોનીમાં ખાણી પીણી રેકડી કેબીન ધારકોએ એવું જણાવ્યું હતું કે કમલાબાગ પાસે વર્ષોથી તેઓ ધંધો કરતા હતા પરંતુ સેલ્ફી પોઇન્ટ બનાવીને ત્યાંથી ધંધાર્થીઓને દુર કરી દેવાયા બાદ એચ.એમ.પી. કોલોનીમાં જે વૈકલ્પિક સુવીધા ફાળવી છે ત્યાં પાયાની સુવીધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. દિવસ દરમીયાન ત્યાં ગાયોને ઘાસચારો નાખવામાં આવતો હોવાથી ગંદકી અસહ્ય જોવા મળી રહી છે. સીમેન્ટ બ્લોક નહી હોવાથી ધુળીયા મેદાનમાં ખાણી પીણી માટે ધંધાર્થીઓને અને ગ્રાહકોને પારવાર પરેશાની વેઠવી પડે છે. સ્ટ્રીટ લાઈટની પણ કોઈ સુવિધા નથી. તેવી જ રીતે લીમડાચોક વિસ્તારમાં પણ ગંદકી જોવા મળી રહી છે. મામાકોઠા મંદીર વિસ્તારમાં રાત્રીના સમયે પોલીસ રેકડીઓ વહેલી બંધ કરાવી રહી છે. તેવી જ પરિસ્થિતિ શહેરના અન્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે તથા પોલીસ દ્વારા નાના ધંધાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે.

પોરબંદરમાં ૨૦૦૦ થી વધુ રેકડી કેબીનો ઉપર ૧૦,૦૦૦ થી વધુ લોકો નભી રહ્યા છે. તેથી તેઓને અવાર નવાર યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે અગાઉ યુપીએ સરકાર વખતે લારી ગલ્લા પાથરણાના ધંધાર્થીઓને સરકાર દ્વારા અલગ સુવિધાઓ પુરી પાડવામાં આવતી હતી. જેથી તેઓ શાંતીથી પોતાનો વેપાર ધંધો કરી શકે પરંતુ ભાજપના રાજમાં તેઓની હેરાનગતિ વધી છે. તેથી કોંગ્રેસના આગામી ચુંટણી ઢંઢેરામાં પણ આ બાબતને સમાવીને નાના ધંધાર્થીઓને હેરાનગતિ થાય નહી તેવી વ્યવસ્થા ગોઠવાશે તેમ અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.