પોરબંદર શહેરના ચોપાટી દરિયા કિનારા સહિત અન્ય વિસ્તારોની વાયુ વાવાઝોડાના લીધે નુકશાન પહોંચ્યું હતુ. જેમાં અસ્માવતીઘાટ ખાતેની દિવાલ પણ ડેમેજ થઇ હતી. દિવાલનું મજબુતી કરણ, પથ્થર ટો બમ્પ, ટેટ્રાપોલ, ગ્રેનાઇટીંગ સહિતની કામગીરી પ.૬૩ કરોડના ખર્ચે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાના સમયે દરિયો તોફાની બનતો હોવાના કારણે તેના લોઢ જેવા ઉછળતા મોજા કિનારાને નુકશાન પહોંચાડે છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં તેમની અસર જોવા મળતી હોય છે. આ દરિયાકાંઠાની સુરક્ષા માટે મજબુતીકરણ માટેની રજૂઆતો કરવામાં આવી હતી. પોરબંદર અસ્માવતીઘાટ ખાતે હાલ ક્ષાર અંકુશ વિભાગ પોરબંદર હસ્તક પ્રોટેકશન દિવાલ બનાવવાનું કામ પ્રગતિમાં છે. આ સિવાય ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકની જમીનમાં આવેલી દિવાલ જે વાયુ વાવાઝોડા વખતે ડેમેજ થઇ જવા પામેલી હતી. તેનું ફરીથી મજબુતીકરણ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાએ ભારપૂર્વક રજૂઆત કરતા મુખ્યમંત્રીએ ડેમેજ થઇ ગયેલી આ દિવાલના મજબુતીકરણ માટે રૂા.પ.૬૩ કરોડ જેવી માતબર રકમ મંજુર કરેલ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આ કામની ટેન્ડર સહિતની તમામ વહિવટી પ્રક્રિયા પુર્ણ કરીને મહેન્દ્રકુમાર એન્ડ કંપની નામની એજન્સીને આ કામનો વર્કઓર્ડર પણ આપી દેવામાં આવેલ છે. અસ્માવતી ઘાટ ખાતેથી ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાના વરદ હસ્તે કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયા, મહામંત્રી અશોકભાઇ મોઢા, માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ પાંજરી, સુધરાઇ સભ્ય મનિષભાઇ શિયાળ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ મજબુતીકરણની કામગીરીમાં ૭૦૦ મીટર જેટલી દિવાલના મજબુતીકરણના આ કામમાં `બી અને સી’ ક્લાસ `પથ્થર ટો બમ્પ’ મુકવાનુ કામ, એક ટન ટેટ્રાપોલ, બે લેયર અંદાજીત ૧૧૭૦૦ નંગ મુકવાનું કામ, રોડની જુની દિવાલમાં ગ્રેનાઇટીંગનું કામ, અસ્માવતી ઘાટ પાસે પેવર બ્લોક રોડ તથા પ્રોટેકશન વોલ બનાવવાના કામનો સમાવેશ થાય છે. આ રીતે અસ્માવતીઘાટ ખાતેની ડેમેજ દિવાલ સહિતી કામગીરી હાથ ધરવામાં આવશે.