કેરળ બાદ કર્ણાટકમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ ચાલી રહી છે. સોનિયા ગાંધી પણ ગુરુવારે કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. રાહુલ ગાંધી શરૂઆતથી જ આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓ દરેક તક પર ભાજપ પર નિશાન સાધીને આકરા પ્રહારો કરી રહ્યા છે. આજે તેમણે કહ્યું, “કર્ણાટકમાં ભારતની સૌથી ભ્રષ્ટ સરકાર છે. તે દરેક વસ્તુ પર 40% કમિશન લે છે, ખેડૂતો પાસેથી મજૂરો પાસેથી 40% કમિશન લેવાવાળી સરકાર છે.”
‘વડાપ્રધાને કોઈ પગલાં લીધાં નથી’
રાહુલ ગાંધી આટલેથી જ ન અટક્યા, તેમણે વધુમાં કહ્યું કે, “કોન્ટ્રાક્ટરે પત્ર લખ્યો કે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, પરંતુ વડાપ્રધાને કોઈ પગલાં લીધા નથી. આ યાત્રાનું છે લક્ષ્ય સમગ્ર ભારતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે લડવાનું. આ યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી જશે અને આ યાત્રામાં મારી સાથે ચાલવાવાળા દરેક વ્યક્તિનું હું સ્વાગત કરું છું અને આભાર માનું છું.”
શું કહ્યું જયરામ રમેશે?
ગુરુવારે બે દિવસની રજા બાદ માંડ્યાથી કોંગ્રેસની ભારત જોડી યાત્રાનો પ્રારંભ થયો છે. આ અંગે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે ભાજપ શાસિત રાજ્ય કર્ણાટકમાંથી અમને જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી ખબર પડે છે કે આગામી ચૂંટણીમાં ભાજપના પતનની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે.
‘ભાજપની દુકાન બંધ થવાની છે’
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ રાજ્ય મંત્રી ડીકે શિવકુમારે આ પ્રસંગે કહ્યું કે દશેરા બાદ હવે રાજ્યમાં કોંગ્રેસની જીત થશે. તેમણે કહ્યું કે અમે રાજ્યમાં સત્તામાં આવી રહ્યા છીએ અને ભાજપની દુકાન બંધ થવા જઈ રહી છે. અમને ગર્વ છે કે સોનિયા ગાંધી રાજ્યની સડકો પર આવ્યા છે.
ક્યારે શરૂ થઈ ભારત જોડો યાત્રા?
રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ અને કાર્યકરોએ 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી હતી. આ યાત્રા આવતા વર્ષની શરૂઆતમાં કાશ્મીરમાં પૂરી થશે. આ યાત્રામાં કુલ 3570 કિમીનું અંતર કાપવામાં આવશે. આ યાત્રા કોંગ્રેસ પાર્ટીને પહેલા કરતા વધુ મજબૂત બનાવવા તેમજ મોંઘવારી અને બેરોજગારી સામે અવાજ ઉઠાવવા માટે કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે. જણાવી દઈએ કે આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ઘણીવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.