ચીને શુક્રવારે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સની ઉપરથી ઉડતી ‘એરશીપ’ વાસ્તવમાં હવામાનશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક હેતુઓ માટે હતી. આ સાથે ચીને એરશીપ અમેરિકન એરસ્પેસમાં ભટકવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.
વોશિંગ્ટનઃ લેટિન અમેરિકા પર ચીનનો જાસૂસી બલૂન ઉડતો જોવા મળ્યો છે. પેન્ટાગોને શુક્રવારે રાત્રે જણાવ્યું હતું કે યુ.એસ.માં દેખાયાનાં એક દિવસ બાદ લેટિન અમેરિકાના આકાશમાં આવો જ બલૂન જોવા મળ્યો હતો. એક નિવેદનમાં, પેન્ટાગોનના પ્રવક્તા પેટ રાયડરે બલૂનના ચોક્કસ સ્થાનનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે, “અમે લેટિન અમેરિકામાંથી પસાર થતા બલૂનના અહેવાલોની તપાસ કરી રહ્યા છીએ. મૂલ્યાંકન પર તે અન્ય ચીની સર્વેલન્સ બલૂન હોવાનું જણાય છે.”
અગાઉ, યુએસ સંરક્ષણ મંત્રાલયના મુખ્ય મથક પેન્ટાગોને જણાવ્યું હતું કે યુએસ એરસ્પેસમાં એક કથિત ચીની જાસૂસી બલૂન જોવા મળ્યો હતો, જેનું કદ “ત્રણ બસ” જેટલું હોવાનું કહેવાય છે. આ ઘટના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ચીન મુલાકાતના થોડા દિવસ પહેલા બની હતી. પેન્ટાગોનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે ગુરુવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, “યુએસ સરકારે એક જાસૂસી બલૂન શોધી કાઢ્યું છે અને તેને ટ્રેક કરી રહી છે.” તે હજુ પણ યુએસ એરસ્પેસમાં ઉડાન ભરી રહ્યું છે. NORAD (નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ) તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
આ સમગ્ર મામલે ચીને શુક્રવારે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સની ઉપરથી ઉડતી ‘એરશીપ’ વાસ્તવમાં હવામાનશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક હેતુઓ માટે હતી. આ સાથે ચીને એરશીપ અમેરિકન એરસ્પેસમાં ભટકવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.