સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે. સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે.
પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોતક વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહશે. દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ભૌગોલિકતા આધારિત 7 પ્રવેશદ્વાર અને ‘સંતદ્વાર’
તમે ચાહે સૌરાષ્ટ્રથી આવી રહ્યા હોવ કે સુરતથી… મહેસાણાથી આવી રહ્યા હોવ કે માણસાથી.. તમારા રૂટથી જ મહોત્સવ સ્થળે સહેલાઈથી પ્રવેશવા માટે કુલ 7 પ્રવેશદ્વાર બનાવાયા છે. આમાંથી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.
પાંચ વિશાળકાય ડોમમાં સંસ્કૃતિનાં દર્શન
મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હુબહુ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મનાં દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન સ્વામિનારાયણ – અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધા-કૃષ્ણ, ભગવાન સીતા-રામ, ભગવાન ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકોમાં શ્રદ્ધા દૃઢાવશે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિઓ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ કંડારાયેલી છે.
દિલ્હીના અક્ષરધામ જેવું જ આબેહૂબ અક્ષરધામ
દિલ્હી સ્થિત અક્ષરધામ અને અમદાવાદના આંગણે નિર્માણ પામેલા અક્ષરધારની સામ્યતા અંગે સાધુ વિવેકજીવન સ્વામીએ કહ્યું કે, બંનેની સામ્યતા એ છે કે બંનેના આકાર તેમ જ તેમાં જે મૂર્તિઓ પધરાવી છે તો એ જ પ્રકારના એકઝેટ અવતારો, મહાપુરુષો, આચાર્યો થઇ ગયા તેમની મૂર્તિઓ પધરાવવામાં આવી છે. આ અસલ દિલ્હીના અક્ષરધામ જેવું જ તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષથી નગર તૈયાર કરી રહ્યાં છીએ. વર્ષમાં તેમાંય છેલ્લાં છ મહિનાની સખ્ત મહેનત છે. આ અક્ષરધામમાં સ્ટીલ ફ્રેમ, લાકડું, પીઓપી મુખ્યત્વે મટીરીયલ વાપર્યું છે. કારણ કે આ ટેમ્પરરી છે.
ભારતીય સ્વાતંત્ર્યના જયોતિર્ધરોની ઝાંખી
ગુજરાતના લોકો પક્ષીપ્રિય છે. પોતાના ભોજનમાંથી ગાય, કૂતરાં અને પંખીનો ભાગ જુદો કાઢે છે. સૌરાષ્ટ્રમાં જે કંટકવાળા વુક્ષો છે તેના પર સુઘરી (સુગ્રીવા)નો માળો બાંધે છે. મુખ્યત્વે નર સુઘરી આ માળો બાંધે છે. માળો બાંધ્યા માદા સુધરી આકર્ષે છે. ઉપરાંત સૂડલો પ્રદર્શનમાં મૂકયો છે. છેલ્લાં હજારો વર્ષો સુધી ગુજરાતીની નારીના માથે આ સૂડલો રહેલો છે અને આ સૂડલામાં ખેત ઉત્પન્ન પેદાશો ભરતા હતા. કે પછી છાણાં તો ઘણી વખત શાકભાજી રાખતા હતા. માથે ઇંઢોણી મૂકીને સૂડલો રાખવાનો રિવાજ હતો. આજની ગુજરાતી ગુહિણીના માથા પરથી નીચે ઉતરી ગયા છે. પાછલી પેઢીની તમામ માતાઓએ આ સૂડલાંને પોતાના માથે રાખીને જ પોતાના પરિવારને નિભાવ્યા છે.
ઝીરો કોસ્ટિંગ, ‘રિ-યુઝ’ના કન્સેપ્ટની સાર્થકતા
‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવા આ જન્મ શતાબ્દી મહોત્સવની સૌથી ખાસ બાબત તેનું ઝીરો કોસ્ટિંગ આયોજન છે. એટલે કે, દાન અને સમર્પણની ભાવનાથી યોજાઈ રહેલા આ મહોત્સવમાં જમીનથી માંડીને તમામ સીધું-સામાન હરિભક્તો અને સેવાભાવી લોકોએ નિઃશુલ્ક આપ્યું છે. બીજી તરફ 50 હજારથી વધુ હરિભક્તો અને સ્વયંસેવીઓ બે મહિના કરતાં વધુ સમયથી આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં શ્રમદાન કરી રહ્યા છે. ‘રિ-યુઝ’ના કન્સેપ્ટ પર આ આખું નગર ઊભું કરવામાં આવ્યું છે અને મહોત્સવ પૂર્ણ થયા બાદ એકેએક ચીજનું દાન કરી દેવાશે અથવા જેણે યોગદાન આપ્યું છે તેને પરત કરી દેવામાં આવશે. આટલા વિશાળ સ્તરના મહોત્સવનું ‘ઝીરો કોસ્ટિંગ’ કન્સેપ્ટ પર આયોજન કરવા બદલ તેનું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાશે એ નિશ્ચિત છે.
બે વર્ષ સુધી કરી તૈયારી
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ડિસેમ્બર-2021માં જ કરવાની હતી. પરંતુ કોરોનાના કારણે તારીખ લંબાવીને હવે 14 ડિસેમ્બર-2022થી 15 જાન્યુઆરી-2023 સુધી ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવ ભલે 14 ડિસેમ્બર-2022થી જાન્યુઆરી-2023 સુધી યોજાવાનો હોય, પણ તેની તૈયારીઓ છેલ્લાં બે વર્ષથી એટલે કે 2020થી ચાલી રહી હતી. મહોત્સવ યોજવા માટે જમીન આપવા માટે ખેડૂતો, વેપારીઓએ 2020માં જ કમિટમેન્ટ આપી દીધાં હતા. આ જમીન અંગેના ડ્રાફ્ટ આજથી થોડાં સમય પહેલાં જ થયાં છે. તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં જ 2022થી આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.