dhrm darshan

દેવ દિવાળીના દિવસે ચંદ્રગ્રહણ:8 નવેમ્બરે ભારતમાં સાંજે 4 વાગ્યા પછી ચંદ્રગ્રહણ જોવા મળશે, 9 કલાક પહેલાં સૂતક શરૂ થઈ જશે

8 નવેમ્બર, મંગળવારે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. ભારતની પૂર્વ દિશાના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને બાકી શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. સૌથી પહેલાં અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં સાંજે 4.23 વાગ્યાથી પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. ચંદ્રોદય સાથે જ ગ્રહણ પણ દેખાવાનું શરૂ થશે. આ કારણે દેશમાં સૂતક રહેશે. ચંદ્રગ્રહણનું સૂતક 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે.

ઉજ્જૈનની જીવાજી વેદ્યશાળાના અધીક્ષક ડો. રાજેન્દ્ર ગુપ્તના જણાવ્યા પ્રમાણે ચંદ્રગ્રહણની શરૂઆત ભારતમાં બપોરે 2.38 વાગ્યાથી થઈ જશે. દેશના પૂર્વ ભાગ કોલકાતા, કોહિમા, પટના, પુરી, રાંચી, ઈટાનગરની આસપાસના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને અન્ય સ્થાને આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. જ્યાં પૂર્ણ ગ્રહણ રહેશે, ત્યાં ચંદ્ર લાલ જોવા મળશે.

www.timeanddate.com વેબસાઇટના અહેવાલ પ્રમાણે ન્યૂયોર્કમાં 8 નવેમ્બરે ત્યાંના સમય પ્રમાણે રાતે 3.02 વાગ્યાથી ગ્રહણ શરૂ થશે, સવારે 5.16 વાગે પૂર્ણ ગ્રહણ દેખાશે અને સવારે 6.41 વાગે ચંદ્ર ગ્રહણ સાથે જ અસ્ત થઈ જશે. આ સમયે ભારતમાં બપોરના 4.11 વાગ્યા હશે. તે પછી ભારતમાં ચંદ્રોદય સાથે જ ગ્રહણ દેખાવાનું શરૂ થઈ જશે.

આસો મહિનામાં દિવાળીએ સૂર્યગ્રહણ થયું હતું
આસો અમાસ 25 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ થયું હતું. તે પછી કારતક પૂનમ 8 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે વરાહમિહિર દ્વારા રચિત ગ્રંથ બૃહત્સંહિતાના રાહુચારાધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે બે-બે ગ્રહણ એકસાથે 15 દિવસના સમયગાળામાં થાય છે ત્યારે તોફાન, ભૂકંપ, માનવીય ભૂલથી વિશાળ માત્રામાં જનહાનિ થવાના યોગ બને છે. 15 દિવસના સમયગાળામાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થાય છે તો સેનાઓની હલચલ વધે છે. સરકારને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રાકૃતિક આપત્તિઓ આવવાના યોગ રહે છે.

7 નવેમ્બરે દેવદિવાળીનું દીપદાન કરવું
7 નવેમ્બરે સાંજે લગભગ 5 વાગ્યાથી કારતક પૂનમ શરૂ થઈ રહી છે, જે 8 નવેમ્બરે સાંજ સુધી રહેશે. જ્યારે ચંદ્રગ્રહણ પૂર્ણ થશે, ત્યારે પૂનમ તિથિ પણ પૂર્ણ થઈ જશે. કાશી વિદ્વત પરિષદના જણાવ્યા પ્રમાણે કારતક પૂનમ માટે દીપદાન સોમવારે કરવાનું શુભ રહેશે. બનારસમાં ગંગા નદીના કિનારે આ દિવસે દીપદાન કરવામાં આવશે. મંગળવારની સવારે નદી સ્નાન કરવામાં આવી શકે છે. જો દાન-પુણ્ય કરવા ઇચ્છો છો તો 8 નવેમ્બરે આખો દિવસ કરી શકો છો.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. આનંદશંકર વ્યાસ અને પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે 7 નવેમ્બરે સાંજે દીપદાન, 8 નવેમ્બરે સવારે નદી સ્નાન અને સાંજે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા પછી પણ દીપદાન કરી શકાય છે.

દેશ-વિદેશમાં ક્યાં-ક્યા ચંદ્રગ્રહણ દેખાશે
નાસાની ઓફિશિયલ વેબસાઇટના જણાવ્યા પ્રમાણે 8 નવેમ્બરનું ચંદ્રગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક, અમેરિકામાં દેખાશે. થોડાં સ્થાને ચંદ્રગ્રહણ પૂર્ણ રહેશે, થોડાં સ્થાને આંશિક અને થોડી જગ્યાએ મંદ ગ્રહણ જોવા મળી શકે છે.

ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા
ચંદ્રગ્રહણની કથા સમુદ્રમંથન સાથે જોડાયેલી છે. પ્રાચીનકાળમાં દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્રમંથન કર્યું હતું. આ મંથનમાંથી 14 રત્ન પ્રાપ્ત થયાં હતાં. સમુદ્રમંથનમાંથી જ્યારે અમૃત બહાર આવ્યું ત્યારે તેના માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને દેવતાઓને અમૃતપાન કરાવવા લાગ્યાં. તે સમયે રાહુ નામના અસુરે પણ દેવતાઓનો વેશ ધારણ કરીને અમૃત પાન કરી લીધું. ચંદ્ર અને સૂર્યએ રાહુને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને જાણકારી આપી દીધી. વિષ્ણુજીએ ગુસ્સામાં આવીને રાહુનું માથું ધડથી અલગ કરી દીધું. રાહુએ અમૃત પી લીધું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું નહીં. ત્યારથી જ રાહુ ચંદ્ર અને સૂર્યને પોતાના દુશ્મન માને છે. સમયે-સમયે આ ગ્રહોને ગ્રસ્ત કરે છે. શાસ્ત્રોમાં આ ઘટનાને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.