news

પોરબંદરના દેગામ ખાતે જિલ્લા કક્ષાનો આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

પોરબંદર જિલ્લાના દેગામ ખાતે જિલ્લાકક્ષાનો આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાના અઘ્યક્ષસ્થાને તેમજ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં પાંચ લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવોને હસ્તે સ્ટેજ પરથી આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ આગામી પાંચ દિવસમાં જિલ્લાના ૬૦ હજારથી વધુ લાભાર્થીઓને આ કાર્ડ વિતરણ કરવામાં  આવશે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઈ પરિવારમાં મોટી બીમારી આવે તો બીમારી કરતા તેના ઇલાજના ખર્ચનો ડર વધુ હોય છે. બિમારીની સારવાર માટે ગરીબ અને મધ્યમ પરિવારો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી સારવાર માટે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન ભારત કાર્ડ શરૂ કરીને સમગ્ર દેશના ગરીબ અને મધ્યમ પરિવારોને બિમારીની સારવાર માટે આર્થિક મદદ કરી છે. હોસ્પિટલોમા આ કાર્ડની મદદથી વિનામૂલ્યે રૂ.૫ લાખ સુધીની વાર્ષિક સારવાર વ્યક્તિ દીઠ મળે છે. જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૮માં સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ શરૂ કરીને ગરીબ અને મધ્યમ પરિવારોને આ યોજનાનો લાભ આપ્યો છે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેને પોરબંદર જિલ્લાની આરોગ્ય ટીમની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, આયુષ્માન કાર્ડ ગરીબ અને મધ્યમ પરિવારો માટે આશીર્વાદ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૫ લાખ સુધી વાર્ષિક સારવાર આ યોજના દ્વારા ભેટ આપી છે. પોરબંદર જિલ્લામાં આગામી પાંચ દિવસમાં ૬૦ હજારથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમમા જિલ્લા વિકાસ અધિકારી બી.ડી.નિનામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે, ગામના સરપંચ, અગ્રણી ભરતભાઈ સુંડાવદરા, ભીમભાઈ સુંડાવદરા સહિત આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા ડોક્ટર્સ સહિત સ્ટાફ તથા બહોળી સંખ્યામાં જિલ્લાના  લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમા ઉપસ્થિત રહેલા સૈાએ આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્નિતિમા લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.