news

ભારવાડામાં પ૪ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ અર્પણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાલક્ષી કાર્યોને હંમેશા પ્રાધાન્ય આપ્યું

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બનાસકાઠા જિલ્લાના અંબાજી ખાતે આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમ હેઠળ પોરબંદરના ભારવાડા મહેર સમાજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના ૧૦ લાભાર્થી પરિવારોને સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે આવાસોની ચાવી વિતરણ કરાઈ હતી. આ સહિત જિલ્લાના કુલ ૨૧ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ જિલ્લામા ૫૪ આવાસો મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરાયા હતા. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાલક્ષી કાર્યોને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. પોરબંદર જિલ્લો ખેતીપ્રધાન છે, ત્યારે ખેતીલક્ષી તમામ યોજનાઓના લાભ જિલ્લાના ખેડૂતોને મળી રહ્યા છે. ખેતી માટે સહાય, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, સિંચાઈ માટેનું પાણી ખેડૂતોને મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે લોકોને વિકાસની પ્રતીતિ કરાવી છે. પ્રમુખએ આ ઉપરાંત નવરાત્રિના પાવન પર્વ પર લાભાર્થી પરિવારોને આવાસોની ચાવી વિતરણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ લાભાર્થી પરિવારને આવાસની ચાવી વિતરણ કરીને શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, દરેક પરિવારને ઘરનું ઘર મળી રહે તે માટે ડબલ એન્જિનની સરકાર કટિબદ્ધ છે. વિવિધ યોજનાઓની સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં અમારી સરકાર દ્વારા સીધી જમા કરવામાં આવે છે. સાંસ્કૃતિક વારસાના જતનની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ કેળવીને વર્તમાન સરકાર કાર્ય કરી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી બી. ડી. નિનામાએ આ સ્વાગત પ્રવચનમાં પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા ડો.આંબેડકર આવાસ યોજના વિશે વિસ્તૃત જાણકારી આપીને પોરબંદર જિલ્લામાં થયેલી કામગીરીની રૂપરેખા આપી હતી.આ તકે  જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા વિકાસ અધિકારી બી. ડી. નિનામા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, અગ્રણી કિરીટભાઈ મોઢવાડિયા, બાંધકામ સમિતિના ચેરમેન  ભુરાભાઈ કેશવાલા, કારોબારીના ચેરમેન કેશુભાઈ,ભારવાડા ગામના ઉપસરપંચ લાખાભાઇ ઓડેદરા, ભરતભાઈ ઓડેદરા સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ તથા કાર્યક્રમનું સંચાલન નિરવભાઈ જોશીએ કર્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમ સહિત  પોરબંદર જિલ્લાના ૨૧ ગામોમાં લાભાર્થીઓ તથા ગ્રામજનોએ બનાસકાંઠાના અંબાજીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.