news

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયના ભવનનું લોકાર્પણ સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ.

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયના ભવનનું લોકાર્પણ સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા રૂ.૧૯.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ તેમજ રૂ.૨૦.૬૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામનું ભૂમિપૂજન આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે સંપન્ન થયું હતું.

ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરી તેમને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળી રહે, શિક્ષણ સાથે નિ:શુલ્ક ભોજન અને નિવાસની સુવિધા મળી રહે એ માટે જવાહર નવોદય વિદ્યાલય કેમ્પસમાં શાળા અને હોસ્ટેલ બિલ્ડીંગ, અદ્યતન રસોડુ, ભોજનાલય, રમત-ગમતનું મેદાન, બગીચો, પ્રાર્થનાખંડ, લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરાયું છે. આ ભવનના નિર્માણથી ૯ થી ૧૩ની વયના ૯૬ જેટલી વિદ્યાર્થિનીઓ અને ૧૯૨ જેટલા વિદ્યાર્થીઓ નિ:શુલ્ક રહેવા-જમવા સાથે ધો.૬ થી ૧૨માં શિક્ષણ સુવિધા મેળવી શકશે. જ્યારે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામ થવાથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને સમાવી શકાશે.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે છેવાડાના ગામડાઓ સુધી આધુનિક સુવિધાયુક્ત શાળાઓ અને છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓનું નિર્માણ કરી શિક્ષણની જ્યોત પ્રગટાવી છે. એક સમય હતો જ્યારે આદિવાસી વિસ્તારમાં ફોનમાં નેટવર્ક મેળવવા વૃક્ષોનો સહારો લેવો પડતો હતો, પરંતુ આજે આદિવાસી વિસ્તારોમાં રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પાણી સહિતના અનેક ક્ષેત્રોમાં સુવિધાઓ ઉપલબ્ધ થઈ ચૂકી છે, જેનો આદિજાતિ સમૂદાયને બહોળો લાભ મળી રહ્યો છે.
આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, સરકારી કુમાર છાત્રાલયનું નવું બાંધકામ ઝડપભેર પૂર્ણ કરીને વધુમાં વધુ બાળકોને સમાવી તેમને શિક્ષણસેવાથી લાભાન્વિત કરવાનું અમારૂ લક્ષ્ય છે. શિક્ષણ અને મકાન બંનેમાં ગુણવત્તા હોવી જરૂરી છે તો જ વિદ્યાર્થીની ભાવિની ઈમારત મજબૂત બનશે. આદિવાસી વિસ્તારમાં વાંકલ શિક્ષણ માટેનું હબ બની ગયું છે. એકલવ્ય મોડેલ સ્કૂલોમાં ૯૦થી ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
  વધુમાં તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ આજના આધુનિક સમયમાં મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શિક્ષણના જ્ઞાનસાગરનો લાભ મેળવે તે જરૂરી છે. આદિવાસી વિસ્તારોના બાળકોને તેમના ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળે માટેની વ્યવસ્થા સરકારે કરી છે. તેમજ આદિવાસી વિસ્તારમાં સિંચાઈ યોજના થકી આદિવાસીઓનું સ્થળાંતર અટકશે, ખેતી અને પશુપાલન જેવા વ્યવસાય થકી તેમની આર્થિક ઉન્નતિ થશે.
 સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, સ્થાનિક વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી, આંગણવાડી, સૈનિક શાળા, નવોદય વિદ્યાલય જેવી સુવિધાઓ ઉભી થઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ડબલ એન્જિન સરકારના ડબલ લાભો લોકોને મળી રહ્યા છે. દેશના વિકાસ માટે સમાજનો શૈક્ષણિક વિકાસ ખુબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવશે. સરકારે શાળા પ્રવેશ ઉત્સવ થકી બાળકોને શિક્ષણ લેતા કર્યા એમ જણાવી શ્રી વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક વિકાસલક્ષી યોજનાઓની વિગતો આપી તેનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે સરકારે લીધેલા અનેક પગલાઓની વિગતો આપી હતી. અગાઉ શિક્ષણની સુવિધાઓના અભાવે સ્થાનિક વિસ્તારના બાળકોને અભ્યાસ માટે બહાર જવું પડતું હતું, પણ આજે માંગરોળના વાંકલમાં શાળા-કોલેજો સ્થાપિત થવાથી તેને ‘મિની વિદ્યાનગર’ તરીકે નવી ઓળખ મળી છે.
 આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી સંદિપભાઈ વસાવા, માંડવી પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ મીનાબેન શાહ, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, સુમુલ ડેરીના ડિરેક્ટર રિતેશભાઈ વસાવા,આદર્શ નિવાસી શાળાના આચાર્ય આર.કે.ડોડીયા, કોસંબા APMC ચેરમેન દિલીપસિંહ રાઠોડ, સામાજિક અગ્રણીઓ શૈલેષભાઈ ગાંગાણી, હર્ષદભાઈ ચૌધરી, દેવેન્દ્રસિંહ ચૌહાણ, જગદીશ પારેખ, અનિતાબેન નાયક, સરપંચો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો સહિત શિક્ષકો-વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.