news

સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ‘ફ્રિઝ’ કરતાં ખાનગી કંપનીઓને નુકસાન

– પેટ્રોલ-ડીઝલના રિટેલ ક્ષેત્રમાં રોકાણ અટકી જવાની ચેતવણી

– જિયો-બીપી, નાયરા જેવી ખાનગી કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 18, ડીઝલ પર રૂ. 25 સુધી નુકસાન થવાનો દાવો

– કંપનીઓએ વ્યવહારુ ઉકેલ લાવવા સરકારને પત્ર લખ્યો, દેશમાં 6ઠ્ઠી એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધ-ઘટ થઈ નથી

નવી દિલ્હી : દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હોવાથી સામાન્ય માણસને રાહત છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલનું રિટેલ વેચાણ કરતી ખાનગી કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી છતાં સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ કથિત રીતે ‘ફ્રિઝ’ કરી રાખ્યા હોવાથી તેમને ભારે નુકસાન જઈ રહ્યું હોવાનો ખાનગી કંપનીઓએ દાવો કર્યો છે.

દેશમાં આઈઓસી, એચપીસીએલ, ભારત પેટ્રોલિયમ જેવી સરકારી ઓઈલ રિટેલ કંપનીઓ ઉપરાંત હવે જિયો-બીપી, નાયરા જેવી કંપનીઓ રિટેલમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરી રહી છે. સરકારી કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના રિટેલ કારોબારમાં ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં કરતી હોવાથી ખાનગી કંપનીઓ માટે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા મુશ્કેલ થઈ ગયા છે. બીજીબાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી રહી છે. પરિણામે ખાનગી કંપનીઓને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૨૦થી ૨૫ અને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૧૪થી ૧૮નું નુકસાન થઈ રહ્યું છે.

હવે આ કંપનીઓએ પેટ્રોલિયમ મંત્રાલયને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પત્ર લખ્યો છે અને સરકારને વ્યવહારુ રોકાણ વાતાવરણ બનાવવા પગલાં લેવાની માગ કરી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રી (એફઆઈપીઆઈ)એ ૧૦મી જૂને પેટ્રોલિયમ મંત્રાલયને લખેલા પત્રમાં કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર નુકસાનથી રિટેલ કારોબારમાં રોકાણ અટકી જશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને તેના ઉત્પાદનોના ભાવ એક દાયકાના ઊંચા સ્તરે પહોંચી ગયા છે, પરંતુ સરકારી ઈંધણ રિટેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ ‘ફ્રિઝ’ કરી રાખ્યા છે. અત્યારે ઈંધણના ભાવ પડતર કિંમત કરતા પણ ઓછા છે, જેનાથી ખાનગી કંપનીઓને નુકસાન થઈ રહ્યુ ંછે. આ વાતાવરણમાં જિયો-બીપી, રોસનેફ્ટ સમર્થિત નાયરા એનર્જી અને શેલ જેવી ખાનગી કંપનીઓ સામે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા અથવા તેમના ગ્રાહક ગુમાવવાનું સંકટ પેદા થઈ ગયું છે.

પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં નવેમ્બર ૨૦૨૧ની શરૂઆતથી ૨૧ માર્ચ, ૨૦૨૨ વચ્ચે ક્રૂડ ઓઈલના ભક્માં વધારા છતાં વિક્રમી ૧૩૭ દિવસ સુધી વધારો કરાયો નહોતો. ૨૨ માર્ચ, ૨૦૨૨થી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૪ વખત સરેરાશ દૈનિક ૮૦ પૈસાનો વધારો કરાતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૧૦નો વધારો થયો હતો.

એફઆઈપીઆઈના મહાનિદેશક ગુરમીત સિંહે પત્રમાં લખ્યું છે કે ખાનગી કંપનીઓને પડતર કરતાં ઓછી કિંમતે પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરવું પડતું હોવાથી તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે. ૬ઠ્ઠી એપ્રિલથી ઈંધણના રિટેલ ભાવમાં કોઈ વધારો થયો નથી. બીજીબાજુ રાજ્ય પરિવહન ઉપક્રમો જેવા જથ્થાબંધ ખરીદદારોને વેચાતા ઈંધણના ભાવમાં આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ વધારો થયો છે. આથી જથ્થાબંધ ખરીદારો રિટેલ આઉટલેટ પરથી ખરીદી કરી રહ્યા છે. પરિણામે ખાનગી કંપનીઓનું નુકસાન વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published.