બોલિવુડના દિગ્ગજ કલાકાર નાના પાટેકર લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. છેલ્લે તેઓ રજનીકાંત સ્ટારર ‘કાલા’ અને ‘ઈટ્સ માઈ લાઈફ’ જેવી ફિલ્મોમાં દેખાયા હતા. જો કે હવે નાના પાટેકર ફરી ઓન સ્ક્રીન પાછા ફરી રહ્યા છે. તેઓ પ્રકાશ ઝાની આગામી વેબ સીરીઝ સાથે OTT ઉપર ડેબ્યુ કરવાના છે. આ એક સામાજિક-રાજકીય સીરીઝ હશે.
નાના પાટેકર અને પ્રકાશ ઝા ફરીથી એક વખત સાથે કામ કરવાના છે. આ સીરીઝનું નામ ‘લાલ બત્તી’ છે, જે યુવાનોમાં સત્તા માટેના ઝુનૂન ઉપર આધારિત હશે. નાના પાટેકર એક શક્તિશાળી રાજનેતાની ભૂમિકામાં હશે, જે યુવાનોને પોતાના ભ્રષ્ટ ઉદ્દશ્યો માટે પ્રભાવિત કરીને ગેરમાર્ગે દોરે છે.
એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, ‘લાલ બત્તી’ નામ એ ગાડીની પ્રતિકાત્મક (symbolised) શક્તિનું પ્રતિક છે, જે સામાન્ય રીતે ભારતમાં સરકાર, રાજનેતાઓ અને સરકારી કર્મચારીઓની ગાડીઓમાં વપરાય છે અને તે સત્તા અને પાવરનો નિર્દેશ કરે છે. પ્રકાશ ઝા ફરીથી એક વખત રાજનીતિની ડાર્ક સાઈડમાં ઉંડા ઉતરીને આપણને આ ગંદા કીચડ આસપાસની હકીકતો બતાવવા જઈ રહ્યાં છે. આ રાજકીય ડ્રામા સીરિઝને જિયો સ્ટુડિયો પ્રોડ્યુસ કરશે. યુપીમાં આ સીરીઝનું શુટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે.
નાના પાટેકરની છેલ્લી ફિલ્મ
નાના પાટેકર છેલ્લી વખત માહી ગિલ સાથે ‘વેડિંગ એનિવર્સરી’માં જોવા મળ્યા હતા. તેમણે આ વર્ષે રોહિત શેટ્ટીની ‘ગોલમાલ અગેન’માં કેમિયો રોલ પણ કર્યો હતો.