- એશિઝ હેટ્રિક, 700મી વિકેટ સહિત વોર્નની ઘણી યાદો MCG સાથે જોડાયેલી છે
- મેમોરિયલ સર્વિસ પહેલાં ફક્ત પરિવારજનોની હાજરીમાં વોર્નની અંતિમવિધિ થશે
ઓસ્ટ્રેલિયાના સ્પીન લિજેન્ડ શેન વોર્નની રાજકીય સન્માન સાથેની મેમોરિયલ સર્વિસ 30 માર્ચના રોજ ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે યોજાશે. મેલબર્ન શહેર ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલું છે જેના વડા ડેનિયલ એન્ડ્રુઝે બુધવારે પુષ્ટિ કરી હતી કે વોર્નની રાજકીય સન્માનની મેમોરિયલ સર્વિસ MCG ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, વોર્ન (52)નું ગત સપ્તાહે થાઈલેન્ડના એક રિસોર્ટ ખાતે શંકાસ્પદ હાર્ટએટેકથી નિધન થયું હતું. મેમોરિયલ સર્વિસ પહેલાં વોર્નના પરિવારજનો તથા કેટલાક મહત્ત્વના લોકોની ઉપસ્થિતિમાં તેની અંતિમવિધિ થશે.
વોર્નની અંતિમ વિદાય માટે MCGથી યોગ્ય બીજું કોઈ સ્થળ નહીં
એન્ડ્રુસે ટ્વીટ કરી હતી, વોર્નને અંતિમ વિદાય આપવા માટે MCGથી વધુ યોગ્ય સ્થળ બીજું કોઈ હોઈ જ ન શકે. આ ગ્રાઉન્ડ સાથે વોર્નની સફળતાની અનેક યાદગાર પળો જોડાયેલી છે. આ જ MCG ખાતે વોર્ને 1994ની સુપ્રસિદ્ધ એશીઝ સિરિઝમાં હેટ્રીક લીધી હતી. એટલું જ નહીં, 2006ની પોતાની અંતિમ ટેસ્ટ સિરિઝ રમતાં વોર્ને બોક્સિંગ ડે ટેસ્ટમાં MCG પર 700મી ટેસ્ટ વિકેટ લીધી હતી. વોર્નનો જન્મ અને ઉછેર પણ મેલબર્નમાં જ થયો છે.
મેમોરિયલ સર્વિસ માટે MCG જવા માટે રજિસ્ટ્રેશન શરૂ
વિક્ટોરિયા સરકારની એક યાદીમાં જણાવાયું છે કે, વોર્નની મેમોરિયલ સર્વિસ માટે 1 લાખ ક્રિકેટપ્રેમીઓ MCG ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં હાજર રહેવા ‘https://www.vic.gov.au/state-memorial-service-shane-warne‘ લિંક પર જઈને ફ્રી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વોર્નની મેમોરિયલ સર્વિસ માટે MCG ખાતે ઉપસ્થિત રહેવાની ટિકિટ તદ્દન નિઃશુલ્ક રહેશે અને માત્ર રજીસ્ટ્રેશન જ કરવાનું રહેશે.
ક્રિકેટ વિશ્વના દિગ્ગજો મેમોરિયલ સર્વિસમાં હાજર રહેશે
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સહિત ક્રિકેટ વિશ્વના અનેક દિગ્ગજો આ મેમોરિયલ સર્વિસમાં ઉપસ્થિત રહેશે. વોર્નના પરિવારે જણાવ્યું હતું કે, આ મેમોરિયલ સર્વિસ પહેલાં વોર્નના પાર્થિવદેહની અંતિમવિધિ કરવામાં આવશે. આ અંતિમવિધિનો કાર્યક્રમ સંપૂર્ણપણે ખાનગી અને મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે થશે.
થાઈલેન્ડથી વોર્નનો પાર્થિવદેહ ઓસ્ટ્રેલિયા રવાના થયો
થાઈલેન્ડ સરકારની યાદી અનુસાર, ગુરુવારે સવારે 7 વાગ્યે વોર્નની ડેડ બોડીને ઓસ્ટ્રેલિયા રવાના કરી દેવાઈ છે. ગત શુક્રવારે થાઈલેન્ડના જ કોહ સુમુઈ આઈલેન્ડ રિસોર્ટમાં વોર્નનું નિધન થયા બાદ તેના મૃતદેહને બેંગ્કોક લાવવામાં આવ્યો હતો. અહીંથી આજે તેને ઓસ્ટ્રેલિયા રવાના કરાયો છે.