news

લેઉવા પટેલની નારાજગી ભાજપ માટે પડકાર:સરકારના મહત્વના વિભાગોમાં મંત્રીપદથી લેઉવા પાટીદાર નેતાઓને દૂર રખાતા નરેશ પટેલ સહિતના અગ્રણીઓમાં રોષ

  • નરેશ પટેલની નારાજગી દૂર કરવા માટે ભાજપના નેતાઓ કામે લાગી ગયા છે
  • રાજકીય માહોલ ભાજપના વિરોધમાં ઉભો થઈ શકે તેવી પૂરી શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. દરેક સમાજ રાજકારણ પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે જોર લગાવશે. ગુજરાતમાં પાટીદાર સમાજ ખૂબ મોટો છે અને રાજકીય રીતે પણ તેનું ખૂબ મહત્ત્વ હોવાને કારણે દરેક ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ તેમને રિઝવવા માટે તમામ પ્રયાસો કરતી હોય છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવે છે. તેને સમાજના અગ્રણીઓનું પણ પીઠ બળ મળતું હોય છે. વિશેષ કરીને ખોડલધામ નરેશ પટેલ સહિતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ જ યુવાનો આંદોલન કરતા હોય છે. રૂપાણી સરકારમાં અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં લેઉવા પાટીદાર નેતાઓને મહત્વના વિભાગોમાં મંત્રી પદ ન મળવાને કારણે નરેશ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ નારાજ છે.

નરેશ પટેલની નારાજગી દૂર કરવા ભાજપના નેતાઓ કામે લાગ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નરેશ પટેલ દ્વારા રૂપાણી સરકાર વખતે અને અત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર વખતે પણ કેટલાક સૂચનો કર્યા હતા. જે મુજબનું કામ થયું ન હોવાના કારણે તેઓ પોતે પણ નારાજ છે. જોકે, હાલ નરેશ પટેલની નારાજગી દૂર કરવા માટે ભાજપના નેતાઓ કામે લાગી ગયા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા શરૂ કરાયેલા આંદોલનને કારણે ભાજપ માટે કેટલાક પડકારો ઊભા થયા હતા. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપ મોટા લક્ષ્ય સાથે વિજય મેળવવા આગળ વધી રહી છે, ત્યારે પાટીદારો મતદારો નારાજ ન થાય તેના માટે પ્રયાસો કરે તે સ્વાભાવિક છે.

લેઉવા પાટીદાર સમાજને ઉપેક્ષાની લાગણી
પાટીદારોનું મોટું વર્ચસ્વ હોવા છતાં પણ સરકારમાં તેમને મંત્રી પદ માટે પસંદગી કરાવવામાં આવતા ન હોવાની ચર્ચા ચાલી રહી છે. રૂપાણી ગયા બાદ લેઉવા પાટીદાર સમાજમાંથી જ મુખ્યમંત્રી બનશે તે પ્રકારની એક આશા જીવંત થઇ હતી, પરંતુ, ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. લેઉવા પાટીદાર સમાજને પોતાની ઉપેક્ષા થતી હોય તેવી લાગણી થઇ હતી. એટલું જ નહીં પરંતુ ગૃહ વિભાગ, નાણાં વિભાગ સહિતના મંત્રાલયોમાં પણ લેઉવા પાટીદારો ને દૂર રાખવામાં આવી રહ્યા છે. તેને લઈને જે નારાજગી છે તે વિધાનસભાની ચૂંટણી પહેલા જ દૂર કરી દેવાનો પ્રયાસ ભાજપે શરૂ કર્યો છે. ભાજપ સરકારના અને સંગઠનના મોટા નેતાઓને લેઉવા પાટીદાર સમાજની નારાજગી અંગે જાણ થઈ ગઈ છે.

લેઉવા પાટીદારને મળવું જોઈએ તે મળતું ન હોવાની વાત બેઠકમાં રજૂ કરાશે
સીએમ કાર્યાલયમાંથી નરેશ પટેલને ફોન કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં જ તેમની સાથે બેઠક કરવા અંગેનું આયોજન થઈ રહ્યું છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જ આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં જે કેસો કરવામાં આવ્યા છે તે પરત ખેંચવાની સાથે સાથે રાજકીય રીતે જે સ્થાન લેઉવા પાટીદારને મળવું જોઈએ તે મળતું ન હોવાની વાત પણ રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે પણ ભલે કોઈ સ્પષ્ટ નથી બોલી રહ્યું, પરંતુ, લેઉવા પાટીદાર પૈકીના ઉમેદવારની પસંદગી નહીં કરીને તેમને નારાજ કરી દેવામાં આવ્યા છે. લેઉવા પટેલ સમાજના રાજકીય નેતા પૈકીનો જ કોઈ મુખ્યમંત્રી બનશે એવી પૂરી શક્યતા દેખાતી હતી પરંતુ ભાજપે કડવા પટેલની નિમણૂક કરીને આંતરિક રીતે ખેંચતાણ વધારી દીધી છે.

રાજકીય માહોલ ભાજપના વિરોધમાં ઉભો થઈ શકે
સુરત પાસની સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે. પાસ ટીમ દ્વારા 23 માર્ચનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, પરંતુ, એ પહેલાં જ કાર્યક્રમો કરવાની શરૂઆત કરી દેવાની હતી. મુખ્યમંત્રી કાર્યાલય પરથી પાટીદાર અગ્રણી નરેશ પટેલને ફોન કરીને આગામી દિવસોમાં જ મુખ્યમંત્રી સાથે એક બેઠક થવાની વાત સામે આવતા પાસ ટીમે આંદોલનને શરૂ કરવા માટેની તારીખ લંબાવી દીધી હતી. આ વખતે નરેશ પટેલ અને પાટીદાર અગ્રણીઓની સાથે મુખ્યમંત્રીની બેઠકમાં જો સંતોષકારક જવાબ નહીં આવે તો રાજકીય માહોલ ભાજપના વિરોધમાં ઉભો થઈ શકે તેવી પૂરી શક્યતા છે. ભાજપનો 150 બેઠક મળવાનું જ સપનું છે, તેમાં મોટો અવરોધ ઊભો થઈ શકે તેવી હવાથી ભાજપ પણ આ નારાજગી ઝડપથી દૂર થાય તેવો મરણીયા પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસ પણ તકની રાહ જોઈને બેઠી છે
હાર્દિક પટેલે પણ આ બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાર્દિક પટેલ રાજકીય સ્થિતિ પારખી ગયો છે અને તેના કારણે તેને પહેલેથી જ કોંગ્રેસ તરફ પોતાના સમાજના અગ્રણીઓને લાવવા માટેના પ્રયાસો પણ શરૂ કર્યા છે. પાટીદાર આંદોલન વખતે તેમની સાથે થયેલા કેસોનું કારણ આગળ મૂકીને પોતાના સમાજના લોકોને પોતાની તરફ આકર્ષી શકે છે. હાલની રાજકીય સ્થિતિ જોતાં કોંગ્રેસ પણ તકની રાહ જોઈને બેઠી છે કે, ક્યારે નરેશ પટેલ તેમજ અન્ય પાટીદાર નેતાઓ ખુલીને ભાજપની સામે પોતાની રોષની લાગણી વ્યક્ત કરે.

150 બેઠકનો લક્ષ્યાંક લેઉવા પાટીદારની નારાજગી સાથે હાંસલ કરી શકાશે નહીં
કોંગ્રેસ માટે ખૂબ મોટો લાભ હશે જો લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ તેની તરફ આગળ વધે. કોંગ્રેસની હાલની સ્થિતિ જોતા સત્તામાં આવવાની કોઈ શક્યતા દેખાતી નથી, તેવા સમયે લેઉવા પાટીદાર સમાજના નરેશ પટેલ સહિતના અગ્રણીઓ જો તેમની રાજકીય પાર્ટીમાં જોડાવા માટેનો વિચાર કરે તો તેમને રાજકીય રીતે મોટો લાભ થશે અને ભાજપની સામે લડવા માટે મજબૂત સંગઠન મળી રહેશે. ભાજપ પણ જાણે છે કે તેમનો 150 બેઠકો મેળવવાનો જે લક્ષ્ય છે. તે લેઉવા પાટીદાર સમાજની નારાજગી સાથે હાંસલ કરી શકાશે નહીં.

Leave a Reply

Your email address will not be published.