ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ મતદાન કરવા માટે આજે મતદાન મથક પર પહોંચ્યા હતા. તેમણે મતદાન પહેલા ભાજપની જીતનો દાવો કર્યો હતો.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા અંતર્ગત આજે 9 જિલ્લાની 59 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સામાન્ય જનતાથી લઈને રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે. રક્ષા મંત્રી અને બીજેપી નેતા રાજનાથ સિંહે લખનૌમાં મતદાન કર્યું. તેમની વોટિંગ પ્રક્રિયાની તસવીરો સામે આવી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા રાજનાથે દાવો કર્યો હતો કે, “ભારતમાં જો કોઈ ટોચની પાર્ટી છે તો તે ભાજપ છે.”
રાજનાથ સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘ભાજપ માત્ર ઈતિહાસનું પુનરાવર્તન જ નહીં કરે પરંતુ અમારી સીટોની સંખ્યામાં થયેલા વધારાને પણ નકારી શકાય નહીં. આ વખતે ચૂંટણી સુશાસન અને વિકાસના મુદ્દા પર છે અને આ મામલે ભારતમાં જો કોઈ ટોચનો પક્ષ હોય તો તે ભાજપ છે. હું તમામ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવા માંગુ છું. રાજનાથે એક ટ્વિટમાં એમ પણ કહ્યું કે, લખનૌ સહિત કુલ 59 સીટો પર હું તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને ‘નવા ઉત્તર પ્રદેશ’ના નિર્માણમાં ભાગ લેવા વિનંતી કરું છું. લોકશાહીને મજબુત કરવા માટે સૌ પ્રથમવાર મતદારો આગળ આવે તેવી ખાસ વિનંતી છે.
Defence Minister and BJP leader Rajnath Singh cast his vote at a polling booth in Lucknow. #UttarPradeshElection2022 pic.twitter.com/sWZSi2yTnz
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 23, 2022
624 ઉમેદવારોના ભાવિનો નિર્ણય
તમને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં પીલીભીત, લખીમપુર ખેરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનૌ, રાયબરેલી, બાંદા અને ફતેહપુર જિલ્લામાં કુલ 59 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં કુલ 2.12 કરોડ મતદારો 624 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. સવારે 9 વાગ્યા સુધી 9 જિલ્લાની 59 બેઠકો પર 9 ટકા મતદાન થયું છે.