36 વર્ષીય વિકેટકીપર ખેલાડી દિનેશ કાર્તિકે જણાવ્યું કે કેવી રીતે ધોની કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને મદદ કરતો હતો.
નવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે ‘કુલચા’ જોડી (કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ) ક્રિકેટના મેદાનમાં તબાહી મચાવતા હતા. મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં તેનો ડર વિરોધી ટીમોમાં એટલો પ્રચલિત હતો કે બેટ્સમેનોને તેની સામે બેટિંગ કરવી અત્યંત મુશ્કેલ લાગતી હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને ખેલાડીઓના પ્રદર્શનમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. સ્થિતિ એવી છે કે કુલદીપ યાદવ ભારતીય ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે યુઝવેન્દ્ર ચહલ પણ સતત ટીમનો ભાગ બનવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
આ બંને ખેલાડીઓના સતત ખરાબ પ્રદર્શન વચ્ચે દેશના 36 વર્ષીય વિકેટ કીપર ખેલાડી દિનેશ કાર્તિકે મોટું નિવેદન આપ્યું છે. આ દિગ્ગજ ભારતીય ખેલાડીએ વાત કરતા કહ્યું છે કે વિકેટ પાછળ એમએસ ધોનીની ગેરહાજરી તેના ફોર્મમાં ઘટાડાનું એક મોટું કારણ છે.
ભારતીય ખેલાડીએ કહ્યું, તેના પ્રદર્શનમાં સો ટકા ઘટાડો થયો છે, કારણ કે હાલમાં ધોની જેવો કોઈ ગાઈડ નથી. તેણે તે દિવસોના પોતાના અનુભવો શેર કરતા કહ્યું જ્યારે તે આ ખેલાડીઓ સાથે ફિલ્ડ શેર કરતો હતો. કાર્તિકે કહ્યું કે, કુલદીપ અને ચહલ ધોની પર ભરોસો રાખતા હતા જ્યારે પરિસ્થિતિ તેમની વિરુદ્ધ હતી.
તેણે કહ્યું, ‘ધોની ચહલ અને કુલદીપને વિકેટ પાછળથી ઘણી મદદ કરતો હતો.’ આટલું જ નહીં, ભારતીય ખેલાડી કહે છે કે, ‘વિરાટ કેપ્ટન હોવા છતાં પણ આ બોલર્સ ધોનીની વાત સાંભળતા હતા.’ કાર્તિકનું માનવું છે કે, ‘ટીમમાં ધોનીની ગેરહાજરીને કારણે ‘કુલચા’ના પ્રદર્શનમાં ઘટાડો થયો છે. ભારતીય ખેલાડીએ ખુલાસો કર્યો છે કે, ‘ધોની પોતે કુલદીપ અને ચહલ માટે ફિલ્ડિંગ કરતો હતો.’