- ચેકિંગ સદંતર બંધ થઈ જતા ભાવનગરની માથે કોરોના ફેલાવાનો સૌથી મોટો ખતરો
ભાવનગર જિલ્લામાં રવિવારે 109 કેસ બાદ સોમવારે ભાવનગરમાં વધુ 108 કેસ નોંધાયા હતા. બીજી બાજુ ભાવનગરમાં કેરળ, બિહાર અને મહારાષ્ટ્રમાંથી આવતી ટ્રેનોના પેસેન્જરોનું કોઈ ચેકીંગ જ નહીં થતુ હોવાથી ‘દરવાજા ખુલ્લા અને ખાળે ડુચા’ જેવો ઘાટ સર્જાયો છે. કોરોનાની ત્રીજી લહેરની લપેટમાં સમગ્ર ભારત આવી ગયું છે, પરંતુ ભાવનગરમાં કેરળ, મહારાષ્ટ્ર, બિહારથી આવતી ટ્રેનોના મુસાફરોનું કોરોનાનું ચેકિંગ સદંતર બંધ થઈ જતા ભાવનગરની માથે કોરોના ફેલાવાનો સૌથી મોટો ખતરો મંડરાઇ રહ્યો છે.
કોચુવેલી એક્સપ્રેસ કેલળથી, આસનસોલ એક્સપ્રેસ બિહારથી અને બાન્દ્રા-ભાવનગર દૈનિક ટ્રેન મહારાષ્ટ્રથી ભાવનગરમાં આવી રહી છે. બિહાર, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોનાના ફેલાવાનું પ્રમાણ સવિશેષ જોવા મળી રહ્યું છે. પરંતુ ભાવનગર ડિવિઝન તળેના રેલવે સ્ટેશનો ખાતે કોરોના અંગેના ચેકિંગની કોઈપણ જાતની વ્યવસ્થા જોવા મળી રહી નથી જેના કારણે સમગ્ર જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
આ અંગે વિગતો આપતા ભાવનગર રેલવે સ્ટેશન મેનેજર વિજયભાઈ બાયડએ જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય સરકાર હસ્તકના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ ભાવનગર રેલવે સ્ટેશને મુસાફરોનું કોરોના અંગેનું પ્રાથમિક ચેકિંગ કરતા હતા, પરંતુ હાલના સમયમાં કોઈ આવતું નથી. અગાઉ ભાવનગર ટર્મિનસ ધોળા સોનગઢ ખાતે કોરોના અંગેનું મુસાફરોનું ચેકિંગ થર્મલ ગન વડે પ્રાથમિક રીતે કરવામાં આવતું હતું પરંતુ હવે સેવા પણ અચાનક બંધ કરી દેવામાં આવી છે. મુંબઈ થી ભાવનગર આવતી બાંદ્રા એક્સપ્રેસ માં પ્રતિદિન સરેરાશ 800 મુસાફરો આવે છે, અને આ મુસાફરોની સંખ્યા પૈકીના 80% મુસાફરો સોનગઢ રેલવે સ્ટેશન ખાતે ઉતરે છે. અને અહીંથી પાલિતાણાની પવિત્ર યાત્રાએ જાય છે. આરોગ્યની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા સોનગઢ રેલવે સ્ટેશન ખાતે કોરોના ના ચેકિંગ અંગેની કોઈપણ જાતની સુવિધા જોવા મળી રહી નથી જેના કારણે જિલ્લામાં કોરોના બ્લાસ્ટ થવાની સંભાવનાનો ખતરો ઉભો થયો છે.