news

રસીકરણ:શહેરમાં 76 ટકા અને જિલ્લામાં 64 ટકા બાળકોને કોરોના રસીકરણ

  • કોરોનાની સ્થિતિની કરી સર્વગ્રાહી સમિક્ષા
  • મંત્રી જીતુભાઇ વાઘાણીએ હોસ્પિટલની મુલાકાત લઇ તમામ સુવિધા પૂરી પાડવા તાકીદ કરી

ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેનાં નિયંત્રણ માટે જરૂરી સુરક્ષાત્મક પગલાઓ અંગેની સમીક્ષા બેઠક મેડિકલ હોસ્પિટલ ખાતે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં મળી હતી. આ સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના અંગેની જાગૃતિ અને તેની ત્વરિત સારવારથી જ કોરોના જેવી મહામારી સામે જીત મેળવી શકાશે. તેમણે જણાવ્યું કે, અત્યારે ભાવનગરમાં ખાનગી સાથે કુલ 181 એક્ટિવ કેસ છે. તેમાંથી જિલ્લાના 36 કેસ છે. જેમાંથી 8 લોકોને એડમિટ થવું પડ્યું હતું અને તેઓને ઘરે જ સારવાર મળેલી છે.

તેમણે કહ્યું કે, ભાવનગર શહેર અને જિલ્લામાં 15થી 18 વર્ષના 99,040 બાળકો છે. જેમાંથી ભાવનગર શહેરમાં 76 ટકા અને જિલ્લામાં 64 ટકા બાળકોને રસી આપી દેવામાં આવી છે. બાકીના બાળકોને પણ ઝડપભેર રસી આપી દેવામાં આવે તે માટેની સૂચનાઓ આરોગ્ય તંત્રને આપી છે. આ સિવાય ભાવનગર શહેરમાં 104 ટકા અને જિલ્લામાં 104 ટકા નાગરિકોને કોરોનાનાં ડોઝ આપી દેવામાં આવ્યો છે.

કોરોના સામે રક્ષણ માટે જિલ્લામાં ધન્વંતરી રથ, સંજીવની રથ વગેરેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેનાં દ્વારા નાગરિકોને સ્થળ પર જ નિદાન કરીને સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત પણ જે પણ વ્યવસ્થાની જરૂર હોય તે તાકીદે પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી સર્વેક્ષણ સાથે દરેક ઘરની મુલાકાત લેવામાં આવી રહી છે અને કોઈપણ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાય તો તુરંત જ દવા અને સારવાર આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ જણાવ્યું કે, કોરોનાની સારવાર માટે આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક સારવાર સાથે ગરમ પાણી પીવું પણ ઉપયોગી છે. આ બધા ઉપચારો સાથે પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા બનાવી રાખવી અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.