dhrm darshan

ગ્રાઉન્ડ રિપોર્ટઅમદાવાદમાં યોજાશે વિશ્વને આંજી દેતો મહોત્સવ:600 એકર જમીનમાં તૈયાર થઈ રહ્યું છે આખું સ્વામિનારાયણનગર, ચાર ગામના ખેડૂતોએ મફતમાં જમીન આપી દીધી

ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવની આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદ ખાતે લાખોની જનમેદની વચ્ચે ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે એક વિશાળ મહોત્સવ સ્થળ સ્વામિનારાયણનગર આકાર લઈ રહ્યું છે. સ્થાનિક ખેડૂતો, બિલ્ડરો તથા વેપારીઓએ મહોત્સવ માટે આપેલી કુલ 600 એકર જમીનમાં મહોત્સવ સ્થળ સ્વામિનારાયણનગર આકાર લઈ રહ્યું છે. ગ્રીન એન્ડ ક્લીન મહોત્સવ સ્થળ તરીકે વિકસી રહેલા આ સ્વામિનારાયણનગરમાં 7000 વૃક્ષ અને દસ લાખથી વધુ ફૂલ-છોડ રોપવામાં આવ્યાં છે.

દિલ્હી સ્થિત અક્ષરધામની નાની પ્રતિકૃતિ રૂપે મંદિર ઊભું કરાશે
આ 600 એકર જમીનમાં આકાર પામનારા સ્વામિનારાયણનગરમાં શું શું આયોજન કરવામાં આવશે એ અંગે દિવ્ય ભાસ્કરે હરિભક્તો તેમજ પ્રમુખસ્વામીના ભાવિક ભક્તોની જાણકારી માટે બી.એ.પી.એસ. સંસ્થાના સ્વામીઓના સાથ અને સહકારથી પ્રથમ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ 600 એકર જમીનમાંથી 200 એકર જમીનમાં મહોત્સવની ભવ્ય ઉજવણી થશે. સ્વામિનારાયણનગરમાં નવી દિલ્હી સ્થિત અક્ષરધામની નાની પ્રતિકૃતિ રૂપે મંદિર ઊભું કરાશે, જ્યાં સૌકોઈ દર્શનનો લાભ લઈ શકશે તેમજ પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ રહેશે. એની આસપાસ 100 જેટલી પ્રમુખસ્વામીની નાની મૂર્તિઓ મૂકવામાં આવશે.

40 હજાર સ્વયંસેવક સેવા આપશે
આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખો હરિભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડશે, જોકે આ મહોત્સવમાં 40 હજાર સ્વયંસેવક સેવા આપશે. તેમના માટે સંસ્થા તરફથી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આમ તો આ મહોત્સવની ઉજવણી ડિસેમ્બર-2021માં જ કરવાની હતી, પરંતુ કોરોનાને કારણે તારીખ લંબાવીને હવે 15 ડિસેમ્બર-2022થી 15 જાન્યુઆરી-2023 સુધી કરવામાં આવશે. આ મહોત્સવ ભલે ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી યોજાવાનો છે. એની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

પ્રમુખસ્વામીનાં કાર્યોથી પ્રેરાઈને જ લોકોએ જમીન આપી
પ્રમુખસ્વામીનાં કાર્યો માત્ર સ્વામિનારાયણ સંસ્થા પૂરતાં સીમિત નહોતાં, તેમણે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વભરમાં ગૌરવ વધાર્યું છે. માટે જ તેમના માટે દેશ જ નહીં, બલકે દુનિયાની દરેક વ્યક્તિ અહોભાવની લાગણી અનુભવે છે. તેથી જ પ્રમુખસ્વામી દશાબ્દી મહોત્સવની ઉજવણી માટે માત્ર સત્સંગી જ નહીં, બલકે દરેક વ્યક્તિએ પોતાની જમીન આપીને સેવાનો લાભ લીધો છે. એક એકરથી માંડીને 25 એકર જમીન ખેડૂતો સહિત બિલ્ડરો, વેપારીઓએ આપી છે. આ જમીન આપવા માટે 2020ની સાલમાં જ દરેક વ્યક્તિએ કમિટમેન્ટ આપ્યું હતું. જોકે આ જમીન અંગેના ડ્રાફ્ટ આજથી થોડા સમય પહેલાં જ થયા છે. મહોત્સવ પૂર્ણ થયા બાદ જમીનો મૂળ માલિકોને પરત કરી દેવામાં આવશે તેમ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.)નાં સૂત્રોએ જણાવ્યું છે.

કયાં ચાર ગામના લોકોએ જમીન આપી છે?
600 એકર જમીન ચાર ગામ ઓગણજ, ભાડજ, રકનપુર અને લપકામણના લોકોએ જ આપી છે. જોકે હાલ આ ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે. આ લોકોનું બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવશે.

નગરમાં પ્રવેશવા માટે સાત પ્રવેશદ્વાર બનશે
નગરમાં પ્રવેશવા માટે સાત પ્રવેશદ્વાર બનશે. એસ.પી. રિંગ રોડ પરના મુખ્ય પ્રવેશદ્વાર VVIPઓ માટે રહેશે, જ્યારે નગરની ડાબી તેમજ જમણી બાજુ ત્રણ-ત્રણ પ્રવેશદ્વાર ઊભાં કરાશે. પ્રવેશ કરતાંની સાથે જ બન્ને બાજુ પ્રેમવતી અને પુસ્તકના સ્ટોલ રહેશે. ત્યાર બાદ અંદર અદભુત બગીચો ઊભો કરવામાં આવશે. ત્યાં ફૂલોના છોડમાં લાઈટો મૂકવામાં આવશે.

400 એકરમાં ભોજનશાળાથી લઈને અન્ય સુવિધા ઊભી કરાશે
600 એકરમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી નગર ઊભું કરવામાં આવશે. બાકીના 400 એકરમાં સ્વયંસેવકો માટે ભોજનશાળા, તેમના રહેઠાણ ઉપરાંત ફ્રેશ થવાની વ્યવસ્થા ઊભી કરાશે. મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુમાં ફ્લેટમાં લગભગ 700 સ્વામીઓના રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવશે.

આ ઉપરાંત સ્વામિનારાયણનગરમાં પાંચ ડોમ ઊભા કરવામાં આવશે. એની સ્ક્રિપ્ટને બી.એ.પી.એસ. સંસ્થાના વડા મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ સદગુરુ સંતો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે, પરંતુ હાલ પ્રાપ્ત માહિતી મુજબ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનાં કાર્યો, પ્રેરણાત્મક કાર્યો અને તેમનો સંદેશ પહોંચડાવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ દરરોજ સાંજે 5થી 7-30 વાગ્યા સુધી સંતો, મહંતોનાં વ્યાખ્યાનો થશે, જેમાં પૂજય મહંતસ્વામી, ડોક્ટર સ્વામી, ઇશ્વચરણ સ્વામી, આનંદ સ્વરૂપસ્વામી, કોઠારીસ્વામી વગેરે સદગુરુ સંતો વ્યાખ્યાન આપશે અને રાત્રે ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજવામાં આવશે. આ નગરમાં પાંચ ડોમ ઊભા કરવામાં આવશે, જેમાં પ્રમુખસ્વામીના જીવનને અલંકૃત કરે એવી વિવિધ પ્રેરણાઓ આપતાં પ્રદર્શનો હશે. સાંસ્કૃતિક સંદેશ આપતા અનેકવિધ રચનાત્મક સ્પોટ્સ હશે. આ સિવાય બાળકોને શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્યની પ્રેરણા આપતી અનોખી બાળનગરી હશે. આ ઉપરાંત કલાત્મક પ્રવેશદ્વારો તેમજ કલામંડિત મંદિર, ભક્તિમંડપો હશે. 200 એકર સિવાયની જગ્યાએ ખાણી-પીણી માટે પ્રેમવતી ઉપરાંત સ્વયંસેવકો માટે આવાસ મંડપો હશે.

ખરેખર આ મહોત્સવની ઉજવણી 2015થી શરૂ થઈ ગઈ છે
આગામી ડિસેમ્બરમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે. વાસ્તવમાં આ મહોત્સવની ઉજવણી 2015થી શરૂ થઈ ગઈ છે. ગુજરાતના સુરત, રાજકોટ, ગોંડલ, આણંદ ઉપરાંત મુંબઈ તેમજ વિદેશોમાં ઠેકઠેકાણે નાના-મોટા મહોત્સવ થઈ રહ્યા છે. એના મારફતી પ્રમુખસ્વામીનાં પ્રેરણાત્મક કાર્યો, જીવનકાર્યો અને સંદેશ પહોંચાડવામાં આવે છે.

72 હજાર કાર્યકર પારિવારિક અભિયાનમાં 24 લાખ ઘરોમાં પહોંચ્યા
બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પારિવારિક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં 72 હજાર કાર્યકરે લગભગ 24 લાખ લોકોનાં ઘરે ઘરે જઈને પારિવારિક એકતા રાખવાની સમજણ આપી હતી. ઉપરાંત વ્યસનમુક્તિ માટે બાળકો દ્વારા રીતસરનું અભિયાન ચલાવીને લાખ્ખો લોકોને વ્યસનમુક્ત કરાવ્યા હતા. તે માટે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાળકોને તાલીમ, સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામીએ પર્યાવરણ માટે ઘણાં કાર્યો, જેવાં કે કૂવા રિચાર્જ, વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જેથી બાલિકાઓ દ્વારા પાણી બચાવો, વીજળી બચાવો તેમજ વૃક્ષારોપણનું અભિયાન ચલાવ્યું હતું. તો કોવિડ પહેલાં રક્તદાન શિબિરો યોજીને લાખો રક્તની બોટલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી તેમજ યજ્ઞો, હેલ્થકેર એક્ટિવિટી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરીને પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવાના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આવી જ વિવિધ પ્રેરણાઓ આપતાં પ્રદર્શનો હશે તો સાંસ્કૃતિક સંદેશ આપતા અનેકવિધ રચનાત્મક સ્પોટ્સ હશે.

Leave a Reply

Your email address will not be published.