પારડી વિધાનસભા બેઠક પર શુક્રવારે કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પટેલ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. મામલતદાર કચેરી પારડી ખાતે ફોર્મ ભરવા આવેલા જયશ્રીબેન પટેલ અને કોંગ્રેસી આગેવાનો કચેરીમાં જેવાં ચૂંટણી અધિકારી પાસે જતા હતા ત્યારે પારડી પોલીસે તેમને અટકાવી માત્ર 5 લોકો જ ચેમ્બરમાં જઇ શકશે તેવી ચેતવણી આપી હતી. જેને લઈને કોંગ્રેસી આગેવાનોએ રોષ પ્રગટ કર્યો હતો. જેઓની પોલીસ સાથે બેઘડી તુતું મૈંમૈ થઈ હતી. જેમના ગયા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેતન પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. જેઓને પણ પોલીસ સ્ટાફે 5 વ્યક્તિઓ જ લઈને જવા જણાવતા તેઓ પણ નારાજ થયા હતાં. આ અંગે કેતન પટેલે જણાવ્યું હતું કે, પારડી ભાજપનો ગઢ મનાય છે. એટલે કનુભાઈ 20 થી વધુ લોકોને લઈને આવ્યા તો પણ તેમને ચુંટણી અધિકારીની કેબિનમાં જવા દીધા જ્યારે અમને અટકાવ્યા છે. પરંતુ જનતા અમારી સાથે છે તેવા કટાક્ષ સાથે કેતન પટેલ અને તેમના સમર્થકોએ આ મામલે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે 10મી નવેમ્બરે ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ પારડી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા હતાં. ત્યારે તેમની સાથે અન્ય લોકો પણ અધિકારીની ચેમ્બરમાં ઘુસ્યા હતાં. અને તેના ફોટો વીડિઓ અન્ય સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતાં. જ્યારે 11મી નવેમ્બરે ફોર્મ ભરવા આવેલા કોંગ્રેસના ઉમેદવાર અને આપ ના ઉમેદવારને નિયમો બતાવી 5થી વધુ એન્ટ્રી આપતા રોક્યા હતાં. જે મામલે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો, કાર્યકરોએ આક્રોશ ઠાલવી કનું દેસાઈએ ટોળા સાથે ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં જઇ આચારસંહિતા ભંગ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.



