news

ચાર વખત ટોકવા છતાં અનિલ વિજે ભાષણ બંધ ન કરતાં અમિત શાહ થયા ગુસ્સે, કહ્યું- ‘આવું નહીં ચાલે’

અમિત શાહે હરિયાણાના ગૃહમંત્રીને કહ્યું કે લાંબુ ભાષણ આપવા માટે આ યોગ્ય જગ્યા નથી, તમને ભાષણ માટે પાંચ મિનિટ આપવામાં આવી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે 27 ઓક્ટોબરે હરિયાણાના પ્રવાસે હતા. જ્યાં તેમણે અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ફરીદાબાદમાં બીજેપીની જન ઉત્થાન રેલીને સંબોધિત કર્યા બાદ અમિત શાહે સૂરજકુંડ ખાતે બે દિવસીય ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. આ દરમિયાન અમિત શાહે લગભગ 25 મિનિટનું ભાષણ આપ્યું હતું, પરંતુ જ્યારે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે સ્ટેજ પર આવીને પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે અમિત શાહે તેમને લાંબુ ભાષણ આપતા ઘણી વખત અટકાવ્યા હતા. ચિંતન શિબિર વચ્ચે અનિલ વિજને આ રીતે ટોકવા પર ભારે ચર્ચા જાગી છે.

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, હરિયાણાના સૂરજકુંડમાં બે દિવસીય ચિંતન શિબિર શરૂ થઈ. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અહીં પહોંચ્યા હતા, તેમના સિવાય બીજેપીના તમામ મોટા નેતાઓ પણ ચિંતન શિબિરમાં હાજર હતા. આ દરમિયાન ચિંતન શિબિરમાં ભાષણ અને સંબોધનની પ્રક્રિયા શરૂ થઈ. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પોતાનું ભાષણ શરૂ કર્યું જે લગભગ સાડા આઠ મિનિટ સુધી ચાલ્યું. આ દરમિયાન અમિત શાહે તેમને તેમનું ભાષણ પૂરું કરવા કહ્યું. ખાસ વાત એ છે કે આવું એક વાર નહીં, પરંતુ લગભગ ચાર વખત અમિત શાહે વિજને ભાષણ વચ્ચે જ ટોક્યા હતા.

અહેવાલો અનુસાર, અમિત શાહે હરિયાણાના ગૃહમંત્રીને કહ્યું કે લાંબુ ભાષણ આપવા માટે આ યોગ્ય જગ્યા નથી, તમને ભાષણ માટે પાંચ મિનિટ આપવામાં આવી હતી. જ્યારે વિજનું ભાષણ આઠ મિનિટથી વધુ ચાલ્યું હતું. ગૃહમંત્રી વિજે અમિત શાહને આવકારવા માટે થોડાક શબ્દો બોલવાના હતા, ત્યારબાદ શાહનું ભાષણ શરૂ થવાનું હતું. જો કે વિજે અમિત શાહનું સ્વાગત તો કર્યું, પરંતુ તે પછી તેમણે હરિયાણાનો ઈતિહાસ અને હરિત ક્રાંતિમાં તેના યોગદાન વિશે બોલવાનું શરૂ કર્યું.

જ્યારે અનિલ વિજ પોતાના ભાષણમાં હરિયાણાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ત્યારે અમિત શાહે તેમને અટકાવ્યા અને કહ્યું, ‘અનિલ જી થોડું સંક્ષિપ્ત કરવું પડશે, આ સ્વાગત ભાષણ છે. તમારો સમય પાંચ મિનિટનો હતો, સાડા આઠ મિનિટ થઈ ગઈ છે.’ આના પર વિજે કહ્યું કે મેં બધું બોલી લીધું છે જી… પણ ત્યાર બાદ વિજે ફરીથી બોલવાનું શરૂ કરી દીધું. આના પર અમિત શાહ સતત તેમની તરફ જુએ છે અને થોડીવારમાં ફરી નારાજ થઈને કહે છે કે ‘અનિલ જી મહેરબાની કરીને સમાપ્ત કરો, તમારે અહીં સમયસર ચાલવું પડશે. આવી રીતે ચાલી શકશે નહીં. તમારો આભાર, કાર્યક્રમ આગળ વધારો…’ આ પછી વિજે આભાર માનીને પોતાનું ભાષણ સમાપ્ત કર્યું.

જણાવી દઈએ કે ભાજપની આ ચિંતન શિવિરમાં 9 ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મોટા પોલીસ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. આ ચિંતન શિબિરમાં કાયદો અને વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે પણ ચર્ચા થવાની છે. ગૃહમંત્રી અમિત શાહ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચિંતન શિબિરને સંબોધિત કરશે.

Leave a Reply

Your email address will not be published.