ભારતના મુખ્ય ન્યાયાધીશ: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને દેશના રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ: રાષ્ટ્રપતિએ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડને દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. જસ્ટિસ ચંદ્રચુડ, જે 9 નવેમ્બરથી કાર્યભાર સંભાળશે, તેઓ દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ હશે. તેમનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી રહેશે. તેઓ જસ્ટિસ યુયુ લલિતનું સ્થાન લેશે, જેઓ 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, “ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડને 9 નવેમ્બર, 2022થી પ્રભાવી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે.” કિરેન રિજિજુએ 9 નવેમ્બરના રોજ ઔપચારિક શપથ ગ્રહણ સમારોહ માટે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને શુભેચ્છા પાઠવી હતી.
Extending my best wishes to Justice DY Chandrachud for the formal oath taking ceremony on 9th Nov. https://t.co/awrT3UMrFy pic.twitter.com/Nbd1OpEnnq
— Kiren Rijiju (@KirenRijiju) October 17, 2022
ડીવાય ચંદ્રચુડના પિતા પણ CJI રહી ચૂક્યા છે
મે 2016માં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા વાયવી ચંદ્રચુડ પણ દેશના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. સૌથી લાંબા સમય સુધી CJI રહેવાનો રેકોર્ડ પણ વાયવી ચંદ્રચુડના નામે છે. તેઓ 1978 થી 1985 સુધી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.
ઘણા મોટા કેસોમાં જજ રહી ચૂક્યા છે
11 નવેમ્બર, 1959ના રોજ જન્મેલા જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના વર્તમાન સીટિંગ જજ છે. 1998માં તેઓ બોમ્બે હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે નામાંકિત થયા હતા. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચૂક્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સબરીમાલા, સમલૈંગિકતા, આધાર અને અયોધ્યા સાથે જોડાયેલા કેસ સહિત ઘણા મોટા કેસોમાં જજ રહી ચૂક્યા છે.