કાશ્મીર ઘાટીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત કાશ્મીરી પંડિતો પર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. ત્યારથી કાશ્મીરી પંડિતોમાં ગભરાટનો માહોલ છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શનિવારે એક કાશ્મીરી પંડિતની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં પૂરણ કૃષ્ણ ભટ્ટ પર તેમના ઘર નજીક હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ પૂરન કૃષ્ણ ભટ્ટને શોપિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આતંકીઓને પકડવા માટે ઓપરેશન ચાલુ છે.
પુરણ કૃષ્ણ ભટના એક સંબંધીએ જણાવ્યું કે તેમના બે શાળાએ જતા બાળકો છે. તેમાંથી એક છોકરી સાતમા ધોરણમાં અને એક છોકરો પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે.
કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત રાજકીય પક્ષોએ કાશ્મીરી પંડિતની હત્યાની ઘટનાની નિંદા કરી છે.
અન્ય એક કાશ્મીરી પંડિતને 16 ઓગસ્ટે શોપિયાં જિલ્લામાં સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગમાં તેનો ભાઈ પણ ઘાયલ થયો હતો.
કાશ્મીરમાં ગયા વર્ષે ઓક્ટોબરથી સતત ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. પીડિતોમાં ઘણા સ્થળાંતર કામદારો અથવા કાશ્મીરી પંડિતો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પાંચ દિવસમાં સાત લોકોના મોત થયા હતા.