news

કડિયા પ્લોટ થી માર્કેટીંગ યાર્ડ નો સિમેન્ટ રોડ ભંગાર હાલતમાં

પોરબંદર શહેરમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા હતા અને પોરબંદર સહિત ગ્રામ્ય વિસ્તારના રોડનું ધોવાણ પણ થયું હતું. આમ છતાં વરસાદ બાદ પણ તંત્ર દ્વારા રસ્તાના નવીનીકરણની કામગીરી ન કરતા લોકો અકસ્માતનો ભોગ બની શકે છે. પોરબંદર શહેરના કડિયા પ્લોટથી માર્કેટીંગ યાર્ડ તરફનો સિમેન્ટ માર્ગ જે ખાડીમાંથી પસાર થાય છે. આ રસ્તાનું નવીનીકરણ ન થતા મસમોટા ખાડા જોવા મળી રહ્યાં છે. વાહન ચાલકો રસ્તાની બદલે તેની બાજુની પટ્ટી ઉપરથી જીવના જોખમે પસાર થઇ રહ્યાં છે. તાત્કાલીક નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદર સહિત રાજ્યભરમાં આ વર્ષે મેઘરાજા મનમુકી વરસ્યા હતા. જેના લીધે શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના રસ્તા ઉપર મસમોટા ગાબડા પડી ગયા હતા. સરકારે નગરપાલિકા અને કોર્પોરેશનને ખરાબ રસ્તાનું મરામત કરવા સૂચના આપી હતી. પરંતુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર તેમજ અન્ય લાગતા વળગતા તંત્રએ શહેરી વિસ્તાર તેમજ આસપાસના રસ્તાઓનું નવીનીકરણ ન કરતા લોકો અકસ્માતનો ભોગ બની શકે છે. પોરબંદર શહેરના એમ.જી. રોડ તેમજ કમલાબાગથી ખાંભી તરફનો રસ્તો, જ્યુબેલી રસ્તો નગરપાલિકા તેમજ નેશનલ હાઇવેમાં આવે છે તેનું યોગ્ય રીપેરીંગ કરવામાં આવ્યું નથી માત્ર ભરતી નાખી સંતોષ માન્યો છે. આ ઉપરાંત પોરબંદરના માર્કેટીંગ યાર્ડથી કડિયા પ્લોટ સુધીનો રસ્તો કે જે સિમેન્ટ રોડ છે તે રસ્તા ઉપરથી રોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરે છે. હાલ મેઘરાજાની વિદાય વિધિવત રીતે થઇ ચુકી છે પરંતુ નગરપાલિકાનું તંત્ર, નેશનલ હાઇવેનું તંત્ર, માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ થઇ રહી છે. ખાસ કરીને એમ.જી. રોડ તેમજ પોરબંદરના એન્ટ્રી સમા નેશનલ હાઇવેના રસ્તા, નગરપાલિકા રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે છે. ખાપટથી માર્કેટીંગ યાર્ડ તરફના રસ્તાનું તંત્ર દ્વારા મરામત કરવામાં આવે તેવી પણ માગ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.