સ્થાનિક લોકો માને છે કે આ લાડુ ખરીદનાર માટે સારા નસીબ, સારા સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે. વિસર્જન માટે મૂર્તિના પ્રસ્થાન પહેલા આ હરાજી થઈ હતી.
હૈદરાબાદઃ હૈદરાબાદના બાલાપુર ગણેશના પ્રખ્યાત 21 કિલોના લાડુની શુક્રવારે 24.60 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. સ્થાનિક વેપારી વી લક્ષ્મા રેડ્ડીએ આ લાડુ ખરીદ્યા હતા. ગયા વર્ષે આ લાડુની 18.90 લાખ રૂપિયામાં હરાજી થઈ હતી. સ્થાનિક લોકો માને છે કે આ લાડુ ખરીદનાર માટે સારા નસીબ, સારા સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે. વિસર્જન માટે મૂર્તિના પ્રસ્થાન પહેલા આ હરાજી થઈ હતી.
દરમિયાન શહેરમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન મોટા પાયે થઈ રહ્યું છે અને આ સંદર્ભે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
વિસર્જનનો કાર્યક્રમ શનિવાર બપોર સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક મહેન્દ્ર રેડ્ડીએ જણાવ્યું હતું કે કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે ત્રણ પોલીસ કમિશનરેટ – હૈદરાબાદ, સાયબરાબાદ અને રાચકોંડામાં 35,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે 10 લાખ સીસીટીવી કેમેરાની મદદથી સમગ્ર તેલંગાણામાં મૂર્તિ વિસર્જન સરઘસ પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે શુક્રવારે હૈદરાબાદ અને તેની આસપાસના જિલ્લાઓમાં રજા જાહેર કરી છે.
હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું હતું કે બાલાપુરથી હુસૈનપુર સુધીના 19 કિમીના સમગ્ર પ્રવાસ માર્ગમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.