news

બેંકમાંથી દિલધડક લૂંટ:સુરતના કડોદરામાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસેલા બુકાનીધારીએ કર્મચારીઓને બંધક બનાવી 7 લાખની લૂંટ ચલાવી

સુરત નજીક આવેલા કડોદરા ખાતે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ કોં ઓપરેટિવ બેંકમાં બંદૂકની અણીએ 7 જેટલા કર્મચારીઓને બંધક બનાવી બિન્દાસ્ત લૂંટ ચલાવવામાં આવી હતી. બુકાનીધારી ઈસમ લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. લૂંટની ઘટનાના પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ છે.

ભર બપોરે લૂંટ
કડોદરા ચાર રસ્તા એટ્લે ભરચક વિસ્તાર અને લોકોની અવરજવર વાળો વિસ્તાર છે. કડોદરા ચાર રસ્તા ખાતે વામદોત પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલ સુરત ડિસ્ટ્રીકટ કોં.ઓપરેટિવ બેન્કની શાખામાં લૂંટની ઘટના બની હતી. બપોરના સમયે બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ બુકાનીધારી એક ઈસમે હાથમાં બંદુક રાખી બેંકમાં આતંક મચાવ્યો હતો.બેંકમા હાજર 7 જેટલા કર્મચારીઓને બંદુકની અણીએ બંધક બનાવી કેશિયર પાસે રાખેલ 7 લાખની રોકડની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર થઈ ગયો હતો.

તપાસ હાથ ધરાઈ
ધોળેદહાડે બનેલ લૂંટની ઘટનાના પગલે કડોદરા પોલીસ, સુરત જિલ્લા એલ.સી.બી પોલીસ, એસ.ઓ.જી પોલીસ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. હાલ પોલીસ દ્વારા બેંકમાં લગાવવામાં આવેલ CCTV ફૂટેજના આધારે જિલ્લાના તમામ માર્ગો પર ચુસ્ત વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.

અગાઉની લૂંટમાં પોલીસને પગેરું નથી મળ્યું
બારડોલીના મોતા ગામે આવેલી બેંકમાં થોડા મહિનાઓ પહેલા 3 બુકાનીધારીઓએ ધોળેદહાડે બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવી 10 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. હજુ એ ઘટનામાં સુરત જિલ્લા પોલીસ લૂંટારૂઓને પકડવામાં નિષ્ફળ છે. ત્યાં તો જિલ્લામાં વધું એક લૂંટની ઘટના બનવા પામી છે.

Leave a Reply

Your email address will not be published.