news

ધોલેરાથી સુરત હવે 6 કલાકને બદલે માત્ર દોઢ કલાકમાં પહોંચાશે

  • અધેલાઈના ગુંદાળાથી દહેજના ભાડભુત સુધીના ખંભાતના અખાત પર બ્રિજની યોજના રજૂ કરાઈ

ભાવનગર સહિત સૌરાષ્ટ્રના 4 જિલ્લા માટે ઉપયોગી અને ધોલેરા સર અને દક્ષિણ ગુજરાતને જોડતા ખાડીના ગુંદાળા-દેવલા બ્રિજ દ્વારા ખંભાતની ખાડી પર પુલ બનાવવામાં આવે તો ધોલેરા સર અને દહેજના કેમિકલ ઝોનને જોડી શકાય છે. આ બ્રિજ બનવાથી સૌરાષ્ટ્રમાંથી રોજગારી માટે દક્ષિણ ગુજરાત તરફ થતું સ્થળાંતર અટકશે.

ઉપરાંત આ હાઈવે પરના મલ્ટીપલ બ્રિજ પર બ્રોડગેજ રેલવે લાઈન, પીવાના પાણી અને ગેસલાઈનના પ્રોજેક્ટ પણ સાકાર થઈ શકે તેમ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલન દ્વારા ખંભાતના અખાત પર ખાડીના પુલની આ યોજના સાકાર થાય તો ધોલેરાથી દક્ષિણ ગુજરાતનું અંતર 330 કિ.મી.થી ઘટી 130 કિ.મી. થશે. એટલે માત્ર એક-દોઢ કલાકમાં ધોલેરાથી સુરત પહોંચી શકાશે.

ધોલેરા સર નજીકના અધેલાઈથી દહેજના દેવલા-ભાડભૂત-હાંસોટ-ઓલપાડ અને સુરત સુધીનો 130 કિ.મી.નો હાઈવે બની શકે છે. જે અમદાવાદ-સોમનાથ નેશનલ હાઈવે નં.751ને પણ જોડે છે. આ માર્ગમાં અમદાવાદ-સોમનાથ નેશનલ હાઈવેના અધેલાઈના ગુંદાળાથી દેવલા-ગોધાર ભાડભુત સુધી 67 કિ.મી.ની નવી પથરેખા તથા ભાડભુતથી હાંસોટ-ઓલપાડ-સુરત સુધી 63 કિ.મી.નો પથ જે રાજ્ય ધોરીમાર્ગ 64 અને 6ને પણ જોડે છે તે માટેનો પ્રોજેક્ટ સરકાર સમક્ષ રજૂ કરાયો છે.આ પ્રોજેક્ટમાં મલ્ટી પર્પઝ બ્રિજ સાકાર કરવાથી અનેકવિધ સુવિધા સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાતવાસીઓને મળી શકે તેમ છે.

ગેસ – પાણીની પાઇપ લાઇન પણ સાથે રાખી શકાય
આ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર મીઠા પાણી લાવી શકાશે. ગેસ લાઇન અને વીજ લાઇન પણ આ માર્ગની પેરેલલ રાખી શકાય છે.

1 નેશનલ હાઈવે અને 2 સ્ટેટ હાઈવેને કારણે ધોલેરાથી સુરતનું અંતર 200 કિમી ઘટી જશે
એક નેશનલ હાઈવે અને બે સ્ટેટ હાઈવને જોડતા માર્ગને કારણે ધોલેરાથી સુરતનું અંતર 200 કિ.મી. ઘટી જશે. હાલ આ અંતર 330 કિ.મી.નું હોવાથી ત્યાં પહોંચવામાં છથી સાત કલાક થાય છે તેને બદલે એકથી દોઢ કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરતમાં પહોંચી શકાય. જેને કારણે પેટ્રોલ-ડિઝલની બચત થવાથી હુંડિયામણ બચશે અને પર્યાવરણનું પણ જતન થશે.

ધોલેરા-દહેજનું માત્ર 10 કિમીના બ્રિજથી જોડાણ
ધોલેરા સરનું દહેજ પી.સી.પી.આઈ.આર મેગા કેમિકલ ઝોન તથા દહેજ પોર્ટ સાથે માત્ર 10 કિમીની લંબાઈના મલ્ટીપલ બ્રિજ દ્વારા સીધુ જોડાણ થઈ શકે છે. બે મોટા ઔદ્યોગિક ઝોનનું જોડાણ થવાથી ઔદ્યોગિક વિકાસની તકો ઊભી થશે. અમદાવાદ અને સૌરાષ્ટ્રના શહેરોનું દહેજ પોર્ટ સાથે સીધુ જોડાણ થશે.

ધોલેરા સર-સુરત જોડાતા સૌરાષ્ટ્રની કાયા પલટ
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ખંભાતના અખાત પરના ખાડી પુલ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજૂઆત કરાય છે. ધોલેરા સર-સુરત જોડાતા સૌરાષ્ટ્રના વિકાસની કાયાપલટ થાય તેમ છે અને સ્થળાંતર અટકતા રાજ્યનો સર્વાંગી વિકાસ થશે.> કિરીટ સોની, પ્રમુખ, ચેમ્બર, ભાવનગર

Leave a Reply

Your email address will not be published.