news

જેમ દિલ્હી અને પંજાબમાં રેકોર્ડ તૂટ્યા તેવી રીતે ગુજરાતમાં પણ 182માંથી 150 બેઠકો આવવી જોઈએ: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી ગઈકાલે તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમણે નવસારી વિશાળ જનસભાને સંબોધી હતી. જેમ દિલ્હી અને પંજાબમાં રેકોર્ડ તૂટ્યા તેવી રીતે ગુજરાતમાં પણ 182માંથી 150 બેઠકો આવવી જોઈએ તેમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ભારત માતા કી જયના નારા સાથે નવસારીના ચીખલીમાં આયોજિત જનસભાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો કહી રહ્યા છે કે પરિવર્તન જોઇએ છે. હું તમારા માટે ખુશખબર લઈને આવ્યો છું. IBનો રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને સર્વે કરાવ્યો હતો. તે સરકારી એજન્સી છે. અને IBએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. IB રિપોર્ટ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે પણ બે-ત્રણ સીટથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટીની 40-50 સીટો પરથી જીતવી જોઈએ. લોકોએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠકો આપી અને પંજાબમાં 117માંથી 92 બેઠકો આપી, ગુજરાતમાં પણ 182માંથી 150 બેઠકો આવવી જોઈએ.

ગુજરાતને ભ્રષ્ટ્રાચાર મુક્ત શાસન આપીશું :અરવિંદ કેજરીવાલ

જ્યારે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુજરાતનાં એક ધારાસભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી એ વખતે તેમની 4 એકર જમીન હતી. આજે 5 વર્ષ પછી તેમને 1000 એકર જમીન થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે. સવારથી સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. હું તમને પૂછવા માંગુ છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? તેમણે કોઈ કામ કર્યું? તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક-એક પૈસો પાછો લેવામાં આવશે. હમણાં જ પંજાબની અંદર અમારા જ એક મંત્રી કંઈક ખોટું કરી રહ્યા હતા. ભગવંત માનજી એ પોતે તેમને જેલમાં મોકલી દીધા. ભગવંત માનજીએ ભ્રષ્ટાચાર માટે તેમના આરોગ્ય મંત્રીને જેલમાં ધકેલી દીધા, આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. જો મારો દીકરો પણ ચોરી કરશે, મારો ભાઈ પણ ચોરી કરશે તો તે પણ જેલમાં જશે. અમે તમારા માટે એવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું કામ કરશે. તમારે 15 ડિસેમ્બર પછી કોઈને પણ કોઈ લાંચ આપવાની જરૂર નહીં પડે. તમારા ભાઈ બનીને, તમારા પરિવારનો એક સદસ્ય બનીને, હું તમારી સમસ્યાનું સમાધાન લાવીશ. ભ્રષ્ટાચાર નાબૂદ કરીને જે રકમ બચશે તે પ્રજાની સુવિધા માટે ખર્ચવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.