ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ રાજ્ય પીએમ મોદીનું હોમ સ્ટેટ છે. તેથી જ ભાજપ અહીં ખૂબ જોર લગાવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભાજપની સરકાર છે.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું શેડ્યૂલઃ-
19 ઓક્ટોબર
ગાંધીનગરમાં સવારે 09:45 કલાકે ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કરશે.
બપોરે 12 વાગ્યે અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે.
આ પછી પીએમ જૂનાગઢ જશે. બપોરે 3.15 કલાકે ત્યાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
સાંજે 6:00 કલાકે રાજકોટમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
20 ઓક્ટોબર
સવારે 9:45 કલાકે પીએમ કેવડિયામાં મિશન લાઈફની શરૂઆત કરશે.
બપોરે 12:00 કલાકે 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે.
બપોરે 3:45 કલાકે વ્યારામાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.
સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારે જણાવ્યું હતું કે, “ડિફેન્સ એક્સ્પોની આ 12મી આવૃત્તિ દેશમાં સૌથી મોટી હશે, જેની થીમ ‘પાથ ટુ પ્રાઇડ’ હશે. આ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. 19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.” કુમારે કહ્યું, “આ ડિફેન્સ એક્સ્પોનું સ્કેલ દેશમાં અગાઉના કોઈપણ ઈવેન્ટ કરતાં મોટું હશે. એક્સ્પો દરમિયાન હસ્તાક્ષર કરવા માટે અત્યાર સુધીમાં 400 એમઓયુને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ લાવશે. આ રોકાણ પ્રતિબદ્ધતા અને એમઓયુની સંખ્યા અગાઉના એક્સ્પો કરતા બમણી છે.
તેમણે કહ્યું કે ગુજરાતની કંપનીઓ 33 એમઓયુ પર હસ્તાક્ષર કરશે, જેમાં રાજ્યમાં રૂ. 5,500 કરોડથી વધુનું રોકાણ થવાની અપેક્ષા છે. એક લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં આયોજિત આ એક્સ્પોમાં 1,320 થી વધુ સંરક્ષણ કંપનીઓ ભાગ લેશે. તેમણે કહ્યું કે છેલ્લા ડિફેન્સ એક્સપોમાં લગભગ 1,028 કંપનીઓએ ભાગ લીધો હતો, જ્યારે વર્તમાન એડિશનમાં 25 દેશોના સંરક્ષણ પ્રધાનો અને 75 દેશોના પ્રતિનિધિઓ સામેલ થશે. કુમારે કહ્યું, “ત્રણ વસ્તુઓ એક્સ્પોની ખાસિયત હશે.
એચએએલ દ્વારા સ્વદેશી ડિઝાઇન અને વિકસિત ટ્રેનર એરક્રાફ્ટ પ્રથમ વખત એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવશે, ગુજરાતમાં ડીસા ખાતે નવા વિકસિત એરપોર્ટનું ડિજિટલી ઉદ્ઘાટન કરવામાં આવશે અને સંરક્ષણ ઉત્પાદન માટેના 75 પડકારો સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગો માટે ખોલવામાં આવશે. વધારાના સચિવ (સંરક્ષણ ઉત્પાદન) સંજય જાજુએ જણાવ્યું હતું કે ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં 50 થી વધુ આફ્રિકન દેશોની ભાગીદારી સાથે યોજાશે. તેમણે કહ્યું કે એક અલગ હિંદ મહાસાગર ક્ષેત્ર પ્લસ (IOR+) કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં લગભગ 40 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે.