- અકસ્માતની ઘટના CCTV સોશિયલ મીડિયા પર વાઇરલ
- મહિલા સિક્યોરિટી ગાર્ડે કહ્યુ: મેં વિદ્યાર્થિનીને બુમો પાડી હતી, પણ તે મોબાઇલમાં વ્યસ્ત હતી
વડોદરા શહેરના સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં સિટી બસની અડફેટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. આ ઘટનાના વાઇરલ થયેલા CCTV ફૂટેજમાં સિટી બસચાલક યુવતી માટે યમદૂત બનીને આવ્યો હોય હતો એ સ્પષ્ટ જણાય છે. આ કમકમાટીભર્યા બનાવમાં મોતને ભેટેલી યુવતી સુરતની છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે બસના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મેં વિદ્યાર્થિનીને બુમો પાડી હતી, પણ તે મોબાઇલમાં વ્યસ્ત હતી
જનમહલની મહિલા સિક્યોરિટી ગાર્ડ નસરીનબેન પઠાણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીની પાછળ જઇ બસને જોઇને મે યુવતીને ઓ..બહેન..ઓ બહેન..તેવી બુમો પાડી હતી. પરંતુ, યુવતી મોબાઇલમાં વ્યસ્ત હતી. જેથી તેને મારી બુમો સાંભળી ન હતી અને અકસ્માત થઇ ગયો હતો.
સિટી બસચાલક સામે લોકોમાં રોષ
સુરતના અમરોલી ખાતે 60, શિવનગરની રહેવાસી 24 વર્ષીય શિવાની રણજિતસિંહ સોલંકી એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી હતી અને એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ કેમિસ્ટ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મંગળવારે બપોરે શિવાની સિટી બસ ડેપોમાં જઇ રહી હતી. એ દરમિયાન પાછળથી આવેલી બસ એના પર ચડી ગઈ હતી, જેમાં શિવાની ગંભીર રીતે ઇજા પામતાં તુરંત જ તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સેન્ટ્રલ એસટી ડેપો સ્થિત જનમહલ સિટી બસ ડેપોમાં બનેલી આ ઘટનાએ ડેપોના મુસાફરોમાં અરેરાટી ફેલાવી દીધી હતી અને સિટી બસચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા
જોકે ડેપો સ્થિત મુસાફરો સિટી બસચાલક સામે રોષ ઠાલવે એ પહેલાં પોતાની બસ સાઈટ પર મૂકીને સલામત સ્થળે જતો રહ્યો હતો. આ બનાવ બનતાં ડેપોથી સ્થિત મુસાફરો એકત્ર થઇ ગયા હતા. સિટી બસ ડેપોમાં બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. વાઇરલ થયેલા CCTVમાં સ્પષ્ટ જણાય છે કે સિટી બસનો ચાલક જયેશ વિદ્યાર્થિની શિવાની માટે યમદૂત બનીને આવ્યો હતો. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ શિવાનીના મોતના સમાચાર તેના સુરત સ્થિત પરિવારજનોને થતાં માતા-પિતા મોડી સાંજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.
બે ભાઈ વચ્ચે એકની એક બહેન હતી
વડોદરા પહોંચેલા પરિવારે શિવાનીના મોતના સમાચાર સાંભળતાં વજ્રઘાત સમો આંચકો અનુભવ્યો હતો. મોતને ભેટેલી શિવાનીના પિતા સુરતમાં હીરા ઘસવાની કંપનીમાં કામ કરે છે અને દીકરી શિવાનીને અભ્યાસ માટે વડોદરા મોકલી હતી. શિવાની ચાર દિવસ પહેલાં સુરત પરિવારને મળવા માટે ગઇ હતી અને મંગળવારે બપોરે ટ્રેનમાં વડોદરા આવવા માટે નીકળી હતી. દરમિયાન 4 વાગ્યાના સુમારે તે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી હતી અને સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાંથી જન મહેલ સિટી બસ ડેપોમાં થઇ ચાલતા બહાર નીકળી રહી હતી. તે દરમિયાન આ કરુણ ઘટના બની હતી. શિવાની બે ભાઇ વચ્ચે એકની એક બહેન હતી.
પોલીસે બસ-ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો
અરેરાટીભર્યા આ બનાવ અંગે શિવાનીના પિતાએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અને શિવાની માટે યમદૂત બનેલી સિટી બસના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.